હિન્દી ફિલ્મોના ચાહકોમાં હલચલ મચાવનાર અભિનેત્રી સની લિઓનીની તાજેતરની ફિલ્મ કેનેડીને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સફળતા મળી હતી. ‘કેનેડી’ના કારણે ચર્ચામાં આવેલી સની લિઓનીની પ્રથમ પાન ઈન્ડિયા વેબ સિરીઝ પાંચ ભાષામાં સ્ટ્રીમ થવાની છે.
બિગ બોસમાં એન્ટ્રીથી લઇને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સમાવેશ સુધી સનીએ લાંબી સફર ખેડી છે. સનીએ આ અંગે જણાવ્યું હતું કે, તાજેતરના સમયમાં ઘણાં એક્ટર્સે કમબેક કર્યું છે અને તેમના ઉંમરના બંધને તેમની કારકિર્દી અટકાવી નથી. તેમણે પોતાની પ્રાથમિકતાને સફળતાથી બદલી છે અને તેમની પાસેથી પ્રેરણા લઈને સનીએ પણ પ્રાથમિકતા બદલી છે. સનીને હવે સ્ટાર બનવાની કોઈ ઈચ્છા રહી નથી.
સની પોતાની કારકિર્દીમાં સારી ભૂમિકા ભજવવા ઇચ્છે છે. સનીની નવી વેબસિરીઝ પાન ઈન્ડિયા સુંદરી છે. મૂળ તો મલયાલમમાં બનેલી આ સિરીઝને હિન્દી સહિતની પાંચ ભાષામાં સ્ટ્રીમ કરવામાં આવશે. તેમાં સનીની સાથે ભીમા રઘુ મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝને કોમેડી-એક્શન-થ્રિલર માનવામાં આવે છે. મલયાલમ સિનેમામાં પ્રથમવાર આટલા મોટા બજેટમાં સિરીઝ બની છે. આ સિરીઝ દ્વારા કેરળના એક્ટર્સ જયન અને સીમાને ટ્રિબ્યુટ આપવામાં આવી છે. મલયાલમ સિનેમાના સુવર્ણ યુગની યાદ અપાવતી આ સિરીઝનું ટીઝર તાજેતરમાં રિલીઝ થયું હતું.
ટીઝરમાં સની લીઓનીએ સાડી પહેરીને જૂના મલયાલમ સિનેમાને ફરી જીવંત કરી બતાવ્યું છે. ગ્લેમર અને ટ્રેડિશનનું કોમ્બિનેશન સનીએ દર્શાવ્યું છે. આ સિરીઝ એચઆર ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે. મલયાલમ ઈન્ડસ્ટ્રીને ગ્લોબલ પ્લેટફોર્મ રજૂ કરવામાં આ સિરીઝ મદદરૂપ બનવાની અપેક્ષા છે.