લંડનના પ્રખ્યાત ગિલ્ડહોલમાં પ્રજાસત્તાક દિવસના સ્વાગત સમારોહનું શાનદાર આયોજન તા. 26 જાન્યુઆરીના રોજ સાંજે કરવામાં આવ્યું હતું. જેમાં યુકેના લોર્ડ ચાન્સેલર અને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર જસ્ટિસ એલેક્સ ચાક કેસી એમપી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અન્ય મહેમાનોમાં લોર્ડ કરણ બિલિમોરિયા, અન્ય લોર્ડ્સ સાથે સાંસદો, યુકેના વિવિધ કેબિનેટ કચેરીઓના સરકારી અધિકારીઓ, મિશનના વડાઓ, ભારતીય ડાયસ્પોરાના સમુદાયના અગ્રણીઓ અને સભ્યો સામેલ થયા હતા.
યુકેના લોર્ડ ચાન્સેલર અને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર જસ્ટિસ એલેક્સ ચાકે ભારતના વિકાસની પ્રસંશા કરી બન્ને દેશો વચ્ચેના સહયોગ અને ભારતીય ડાયસ્પોરાના સભ્યો અને ભારતીય બિઝનેસીસે યુકેમાં કરેલા વિકાસ અને સફળતાની સરાહના કરી હતી. આ પ્રસંગે હાઇ કમિશનર શ્રી દોરાઇસ્વામીએ તેમનો આભાર વ્યક્ત કરી યુકે સાથેની મિત્રતા, વિવિધ ક્ષેત્રે સધાયેલા સહયોગની માહિતી આપી હતી. આ પ્રસંગે ગુજરાતના ગરબા અને અન્ય કાર્યક્રમો રજૂ કરાયા હતા.
તા. 26ના રોજ શુક્રવારે સવારે લંડનના ઓલવિચ સ્થિત ઈન્ડિયા હાઉસ – ભારતીય હાઈ કમિશન ખાતે પણ ભારતના ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તો ભારતના વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સાસ્કૃતિક પ્રસ્તુતિઓ દર્શાવવામાં આવી હતી. ખાસ આકર્ષણ બોલિવૂડ અભિનેતા બોમન ઈરાનીની હાજરી હતી. આ પ્રસંગે બે બહેનો લનીશા અને ડેલિશા વાઝે કોંકણી ગીત ‘અમી સોગલીમ એક’ ગાયું હતું જેની રચના ગોવાના દિગ્ગજ કલાકાર સ્વર્ગસ્થ આલ્ફ્રેડ રોઝ દ્વારા કરવામાં આવી હતી.