પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

આશરે ત્રણ દાયકા અગાઉ ભારતના કાર માર્કેટમાં પ્રવેશેલી સાઉથ કોરિયાની અગ્રણી ઓટો કંપની હ્યુન્ડાઇએ ભારતમાં મેગા આઇપીઓ લાવવાની યોજના બનાવી છે. કંપની તેના ભારતીય યુનિટનું ભારતમાં લિસ્ટિંગ કરાવે તેવી શક્યતા છે. આ આઈપીઓ દિવાળીની આસપાસ આવી શકે છે અને તેનું કદ એલઆઈસીના આઈપીઓ કરતા પણ મોટું રહેવાની શક્યતા છે. હાલમાં ભારતીય પેસેન્જર કાર માર્કેટમાં મારુતિ સુઝુકી 41.7 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે હ્યુન્ડાઈનો હિસ્સો 13.7 ટકા અને ટાટા મોટર્સનો હિસ્સો 13.5 ટકા છે.

કંપનીએ હજુ કોઇ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી. પરંતુ સપ્ટેમ્બરથી નવેમ્બર 2024ની વચ્ચે તેનો ઈશ્યૂ બજારમાં આવી શકે છે. ગયા વર્ષે ભારતમાં મારુતિ સુઝુકી પછી હ્યુન્ડાઈ બીજા નંબરની સૌથી મોટી કાર ઉત્પાદક હતી. સિયોલ ખાતે ગોલ્ડમેન, સિટી ગ્રૂપ, મોર્ગન સ્ટેન્લી, જેપી મોર્ગન, બેન્ક ઓફ અમેરિકા, ડોએચ્ચ બેન્ક વગેરે ઈન્વેસ્ટમેન્ટ બેન્કોએ હ્યુન્ડાઈની લીડરશિપને હવે ભારતમાં આઈપીઓ લાવવા સલાહ આપી હતી.

હાલમાં કંપનીની વેલ્યૂ 22થી 28 અબજ ડોલર આંકવામાં આવે છે અને તે 15થી 20 ટકા હિસ્સો વેચે તેવી શક્યતા છે. તેના દ્વારા કંપની 3.3 અબજથી 5.6 અબજ ડોલર એકઠા કરી શકે છે. વર્ષ 2022માં ભારતની સરકારી વીમા કંપની LICનો IPO આવ્યો હતો જે અત્યાર સુધીનો સૌથી મોટો ઈશ્યૂ હતો. LICના IPOની સાઈઝ રૂ.21,000 કરોડહતી.

LEAVE A REPLY