પેટીએમએ સોમવારે જણાવ્યું હતું કે વિજય શેખર શર્મા તેના પેમેન્ટ્સ બેંકના યુનિટના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન અને બોર્ડ મેમ્બર પદેથી રાજીનામું આપશે. ભારતીય રિઝર્વ બેન્કના આકરા પગલાં પછી આ ડિજીટલ પેમેન્ટ્સ કંપની તેના બોર્ડમાં ધરખમ ફેરફાર કરી રહી છે ત્યારે આ હિલચાલ થઈ છે.
પેટીએમ પેમેન્ટ્સ બેંક સામેની કાર્યવાહી “ગંભીર સુપરવાઇઝરી ચિંતાઓ”ને પગલે કરવામાં આવી હતી, જેમાં ગ્રાહકની અપૂરતી ઓળખનો સમાવેશ થતો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકિંગ એકમને નિયમોના ઉલ્લંઘન અને સતત મટીરીયલ સુપરવાઇઝરી ચિંતાઓને કારણે 15 માર્ચ સુધીમાં તેનું કામકાજ બંધ કરવાની તાકીદ કરી હતી.
પેટીએમએ એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે સરકારી માલિકીની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર, બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને બે નિવૃત્ત ભારતીય વહીવટી સેવા અધિકારીઓ બોર્ડમાં જોડાશે.
શર્મા Paytm પેમેન્ટ્સ બેંકમાં 51 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે વન 97 કોમ્યુનિકેશન્સ, જે Paytm તરીકે ઔપચારિક રીતે જાણીતી છે, તે બાકીની માલિકી ધરાવે છે.