પતંજલિ આયુર્વેદની પ્રોડક્ટ્સ અને તેની ઔષધીય અસરકારકતા વિશે ભ્રામક દાવાઓ બદલ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને યોગ ગુરુ બાબા રામદેવના સહાયક આચાર્ય બાલકૃષ્ણે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી હતી.
ભ્રામક જાહેરાતો પર કોર્ટ તિરસ્કારની નોટિસનો જવાબ ન આપવા બદલ સર્વોચ્ચ અદાલતે પતંજલિ આયુર્વેદની આકરી નિંદા કર્યાના એક દિવસ પછી પંતજલિએ આ એફિડેવિટ દાખલ કરી હતી. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાની ખંડપીઠે બાલકૃષ્ણ અને રામદેવને 2 એપ્રિલે કોર્ટમાં હાજર થવાનો પણ આદેશ આપ્યો હતો.
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં બાલકૃષ્ણએ કહ્યું છે કે તેઓ કાયદાના શાસન માટે સર્વોચ્ચ આદર ધરાવે છે. કંપની ભવિષ્યમાં આવી જાહેરાતો જારી કરવામાં ન આવે તેની ખાતરી કરશે. કંપનીનો ઈરાદો માત્ર આ દેશના નાગરિકોને પ્રોડક્ટ્સનું સેવન કરીને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ (વાંધાજનક જાહેરાતો) એક્ટની જોગવાઈઓ હવે કાળગ્રસ્ત બની છે. આયુર્વેદ સંશોધનમાં વૈજ્ઞાનિક પુરાવાઓનો અભાવ હતો ત્યારે આ ધારામાં છેલ્લી વખત સુધારો કરાયો હતો. હવે પતંજલિ ક્લિનિકલ સંશોધન સાથે પુરાવા-આધારિત વૈજ્ઞાનિક ડેટા ધરાવે છે.