બ્રિટનના ભાવિ રાજા પ્રિન્સ વિલીયમના 42-વર્ષીય પત્ની પ્રિન્સેસ ઑફ વેલ્સ કેટ મિડલટને શુક્રવાર તા. 22ના રોજ જાહેરાત કરી હતી કે તેમને કેન્સર હોવાનું નિદાન થયું છે અને તેઓ પ્રિવેન્ટેટીવ કીમોથેરાપીના કોર્સની સારવાર કરાવી રહ્યા છે. તેમના સ્વાસ્થ્ય અને પેટના ઓપરેશન બાદની રીકવરી અંગેની લાગલગાટ અટકળો અને જાતજાતની અફવાઓ પછી તેમણે આ જાહેરાત કરી હતી. વિશ્વભરમાંથી તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવતા સમર્થનના અઢળક સંદેશાઓ સાંપડ્યા છે.
કેન્સિંગ્ટન પેલેસના પ્રવક્તાએ કહ્યું છે કે “પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટને જ્યારે પણ તેમની તબીબી ટીમ દ્વારા મંજૂરી આપવામાં આવશે ત્યારે પ્રિન્સેસ સત્તાવાર શાહી ફરજો પર પાછા ફરશે. તેમની સ્થિતી સારી છે અને સંપૂર્ણ સ્વસ્થ થવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.’’
તેમના સસરા, કિંગ ચાર્લ્સ III, પણ કેન્સરના અચોક્કસ સ્વરૂપની સારવાર હેઠળ છે ત્યારે શાહી પરિવાર માટે આ સમાચાર મુશ્કેલ છે.
પરિવારના એક નજીકના મિત્રએ કહ્યું હતું કે “કેટ અને વિલિયમ બાળકોની સુરક્ષા માટે બનતું બધું કરી રહ્યા છે તથા આ સમય દરમિયાન વિલિયમ ખૂબ સપોર્ટિવ રહ્યા છે.’’
બુધવારે બીબીસી સ્ટુડિયો દ્વારા શુટ કરાયેલા અને કેન્સિંગ્ટન પેલેસ દ્વારા તા. 22ના રોજ જાહેર કરાયેલા વ્યક્તિગત વિડિયો સંદેશમાં થોડા નબળા દેખાતા કેટે જણાવ્યું હતું કે ‘’જાન્યુઆરીમાં લંડન ક્લિનિકમાં મારી પેટની મોટી શસ્ત્રક્રિયા સફળ રહી હતી. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે મારી સ્થિતિ કેન્સરગ્રસ્ત નથી. પણ ઓપરેશન પછીના ટેસ્ટમાં કેન્સર હોવાનું જણાયું હતું. તેથી મારી મેડિકલ ટીમે સલાહ આપી હતી કે મારે પ્રિવેન્ટેટીવ કીમોથેરાપીનો કોર્સ કરવો જોઈએ અને હું હવે તે સારવારના પ્રારંભિક તબક્કામાં છું. અલબત્ત આ એક મોટો આઘાત હતો. વિલિયમ અને હું અમારા યુવાન પરિવારની ખાતર ખાનગી રીતે આ માટે બનતું બધું કરી રહ્યા છીએ. મોટી સર્જરી બાદ સાજા થવામાં અને હવે આ સારવાર કરાવામાં મને સમય લાગ્યો છે.
કેટે જણાવ્યું હતું કે ‘’સૌથી અગત્યનું એ છે કે, જ્યોર્જ, શાર્લોટ અને લુઈસને તેમના માટે યોગ્ય હોય તે રીતે બધું સમજાવવામાં અને તેમને ખાતરી આપવામાં અમને સમય લાગ્યો છે કે હું ઠીક થઈ જઇશ. અમે તેમને કહ્યું છે કે; હું સ્વસ્થ છું અને મને સાજા થવામાં મદદ કરે તેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીને મારા મગજ, શરીર અને આત્માથી દરરોજ મજબૂત થઈ રહી છું.”
તેમણે હકારાત્મક રીતે વિલિયમને પોતાના આરામ અને આશ્વાસનનો મહાન સ્ત્રોત ગણાવતા કહ્યું હતું કે “તમારામાંના ઘણા લોકો દ્વારા પ્રેમ, સમર્થન અને દયા દર્શાવવામાં આવી છે તે અમારા બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રોગનો સામનો કરી રહેલા દરેક માટે, કોઈપણ સ્વરૂપમાં, કૃપા કરીને વિશ્વાસ અથવા આશા ગુમાવશો નહીં. તમે એકલા નથી.”
વડા પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે ‘’પ્રિન્સેસ ઓફ વેલ્સે તેમના નિવેદન સાથે જબરદસ્ત બહાદુરી દર્શાવી હતી અને હું તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવું છું. તાજેતરના અઠવાડિયામાં તેમની સઘન તપાસ કરવામાં આવી છે અને સમગ્ર વિશ્વમાં અને સોશિયલ મીડિયા પર અમુક લોકો દ્વારા તેમની સાથે અન્યાયી વર્તન કરવામાં આવ્યું છે. જ્યારે સ્વાસ્થ્યની વાત આવે ત્યારે તેઓ પોતાની સારવારમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે, ગોપનીયતા જાળવી શકે અને તેમના પ્રેમાળ પરિવાર સાથે રહી શકે તે માટે હક્કદાર છે.”
16 જાન્યુઆરીએ લંડન પેટનું ઓપરેશન કરાયા બાદ વિલયમ અને કેટ શાહી ફરજોથી દૂર થયા હતા અને આવતા મહિને ઇસ્ટર પછી ઔપચારિક ફરજો પર પાછા ફરે તેવી અપેક્ષા હતી, પણ તે હવે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવશે. કિંગ ચાર્લ્સના તાજેતરના નિદાનની જેમ, કેટના કેન્સરની ચોક્કસ પ્રકૃતિને જાહેર કરવાની કોઈ યોજના નથી.
10 માર્ચે રાજકુમારીએ મધર્સ ડે નિમિત્તે પ્રિન્સ ઑફ વેલ્સ દ્વારા લેવામાં આવેલ એક કૌટુંબિક ફોટોગ્રાફ રજૂ કર્યો હતો. આ ફોટોગ્રાફ એડિટ કરાયેલો જણાતા એજન્સીઓ દ્વારા તેને ઝડપથી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. જો કે તેને કારણે કેટની સ્થિતિ વિશે લોકોની અટકળોને વધુ વેગ મળ્યો હતો.