
નોર્થ લંડનના વોટફર્ડમાં રહેતી અને બુશી મીડ્સ સ્કૂલની 16 વર્ષની વિદ્યાર્થિની પ્રિશા તાપ્રેએ ભારત અને યુકેમાં બાળપણની ભૂખ સામે લડતી ચેરિટી અક્ષય પાત્ર માટે ભંડોળ એકત્ર કરવા ઇંગ્લિશ ચેનલને પાર કરનાર સૌથી નાની વયની વ્યક્તિ તરીકે ઈતિહાસ રચ્યો છે.
પ્રિશા 12 વર્ષની હતી ત્યારે ઇંગ્લિશ ચેનલ તરવા વિશેની કુટુંબની ચર્ચા દ્વારા પ્રેરિત થઈ હતી. ચાર વર્ષની તાલીમ પછી, તેણીએ ઇંગ્લેન્ડના ડોવરના દરિયાકાંઠેથી ફ્રાન્સના કેપ ગ્રીસ નેઝ સુધીનું 34-કિલોમીટરનું સ્વિમિંગ ગયા અઠવાડિયે 11 કલાક અને 48 મિનિટમાં પૂર્ણ કર્યું હતું.
હર્ટફર્ડશાયરના વોટફોર્ડ ખાતે પોતાના તેના ઘરેથી એક મુલાકાતમાં પ્રિશાએ જણાવ્યું હતું કે, “શરૂઆતના પ્રથમ બે કલાક તરવાનો સૌથી મુશ્કેલ ભાગ હોય છે. વાસ્તવમાં મને ખૂબ ઊંઘ આવતી હતી અને મારી આંખો બંધ થવાની તૈયારીમાં હતી. પરંતુ સૂર્ય ઉગતા ઊંઘ જતી રહી હતી. હવામાન સારૂ હતું. રસ્તામાં ડંખ મારતી જેલીફિશના ડંખથી મને યાદ આવતું કે હું ખરેખર જીવિત છું. હું વિચારતી હતી કે જીવનના આ એક દિવસ માટે મેં ચાર વર્ષ સમર્પિત કર્યા છે તો શા માટે તેને છોડી દઉં. મારા કોચ કહે છે કે સ્વિમિંગ 60 ટકા માનસિક અને 40 ટકા શારીરિક છે. તેથી હું મારી જાતને યાદ અપાવતી હતી કે આ તો કરવાનું જ છે.’’
યુકેમાં જન્મેલી પ્રિશાના માતા-પિતા મહારાષ્ટ્રના છે અને અક્ષય પાત્ર યુકે માટે તેણીએ £3,700 એકત્ર કર્યા હતા. અક્ષય પાત્ર જરૂરિયાતમંદ બાળકોને શાળામાં ગરમ ભોજન આપે છે અને બ્રિટનમાં પણ તેની શાખા છે. વોટફર્ડ સ્વિમિંગ ક્લબના સમર્થન સાથે તેણે આ સફળતા હાંસલ કરી હતી.













