Ambaji Melo

પ્રયાગરાજમાં મહાકુંભ વચ્ચે હવે ગુજરાતમાં પણ એક મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. આ મહાકુંભમાં શ્રદ્ધાળુઓ આસ્થાની ડુબકી લગાવવા માટે જ નહીં, પરંતુ એક જ જન્મમાં, એક જ સ્થળે એકસાથે 51 શક્તિપીઠોની પરિક્રમા કરવા માટે આવશે. માઈભક્તોનો આ મહાકુંભ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સ્થિત અંબાજી શક્તિપીઠ ખાતે યોજાશે, જે 51 શક્તિપીઠોમાંનું એક છે. ભારતભરમાં યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ ગુજરાતના શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ખાતે ત્રણ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો 9 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. 11 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ત્રણ દિવસીય મહોત્સવમાં લાખો માઈભક્તો ઉમટશે. આ મહોત્સવમાં દર વર્ષે માઈભક્તોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. ગત વર્ષે આ મહોત્સવમાં આશરે 13 લાખ 15 હજાર શ્રદ્ધાળુઓએ 51 શક્તિપીઠોની પરિક્રમા કરી હતી, ત્યારે આ વર્ષે આ સંખ્યા 15 લાખને વટાવવાની શક્યતા છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશભાઈ મેરજાએ જણાવ્યું કે અંબાજી ખાતે 51 શક્તિપીઠ મહોત્સવ દર વર્ષે મહા સુદ 12થી મહા સુદ 14 દરમિયાન યોજવામાં આવે છે અને તિથિ પ્રમાણે આ વર્ષે આ મહોત્સવ 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. GPYVB તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવનાર શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજન સહિત તમામ પ્રકારની સગવડો કરવામાં આવી છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments