(Photo by DAN KITWOODNICHOLAS KAMM/POOL/AFP/AFP via Getty Images)

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલા ટેરિફવોરમાં પહેલો ઘા તેને પોતાને જ વાગ્યો હોવાનું જણાય છે. એકમાત્ર ચીનને બાદ કરતાં વિશ્વના બાકીના તમામ દેશો સામે નવા આકરા ટેરિફ 90 દિવસ (ત્રણ મહિના) મોકુફ રાખવાની જાહેરાત તેમણે ગણતરીના કલાકોમાં જ કરવી પડી હતી, તો એના થોડા કલાકો પછી ટ્રમ્પે ચીનથી પણ આયાત થતા સ્માર્ટ ફોન્સ, ઈલેકટ્રોનિક્સ તથા તેના પાર્ટ્સ, ચિપ્સ વગેરેને ટેરિફવોરમાંથી બાકાત કરવાની જાહેરાત કરવી પડી હતી.
બીજી તરફ ચીને નવો વ્યૂહ અપનાવી અમેરિકાના નાગરિકોને સીધું સંબોધન કરી એવું સમજાવવાનો કિમિયો અજમાવ્યો છે કે, ટ્રમ્પના ટેરિફની અવળી અસર કોઈ બીજા દેશને નહીં, ખુદ અમેરિકાના નાગરિકોને થાય છે. ટેરિફથી કઈં રાતોરાત અમેરિકા બધી વસ્તુઓની જાતે ઉત્પાદન કરતું નથી થવાનું, પણ અમેરિકામાં આયાત થતી વસ્તુઓ મોંઘી થવાથી એ વધારાની કિમતોનો બોજ અમેરિકનોને માથે જ પડવાનો છે. મોબાઈલ સ્માર્ટ ફોન્સ, ઈલેકટ્રોનિક ઉત્પાદનો, ચિપ્સ વગેરેનો દાખલો તેનો આ સંદેશો લોકોને ગળે ઉતારવા માટે પુરતો બની રહે છે.

બીજી તરફ, ચીને ટ્રમ્પને વધુ ભીંસમાં લેવા કેટલાક મહત્ત્વના ખનીજો, મેગ્નેટ (લોહચુંબક) વગેરેની નિકાસ પણ બંધ કરવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત, ચીન સતત પ્રયાસો કરી રહ્યું છે કે તે યુરોપ, ભારત વગેરે દેશો પોતાની તરફે રહે.જો કે, ટ્રમ્પે ચીન સિવાય બાકીના દેશો માટે નવા ઉંચા ટેરિફનો અમલ 90 દિવસ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી તેની સાથે જ યુરોપિયન યુનિયને પણ અમેરિકા સામેના વળતા ટેરિફ્સનો અમલ 90 દિવસ માટે અટકાવવાની જાહેરાત કરી દીધી હતી. તે સિવાય ખાસ કરીને યુકે તથા ભારત આ ટેરિફવોરના મોટા ઘોંઘાટમાં મૌન ધારણ કરી અમેરિકા સાથે દ્વિપક્ષી વેપાર કરાર કરવાની દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યા છે અને વાકયુદ્ધ નિવારી રહ્યા છે.
ચીને રેર અર્થ એલિમેન્ટ્સ, ધાતુઓ અને મેગ્નેટ્સની નિકાસ પર પ્રતિબંધ ફરમાવતા પશ્ચિમી દેશોના હથિયાર, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમેકર્સ, એરોસ્પેસ મેન્યુફેક્ચરર્સ, સેમીકન્ડક્ટર્સનું ઉત્પાદન કરતી કંપનીઓ અને વ્યાપક શ્રેણીમાં કન્ઝ્યુમર્સ ગુડ્ઝ નિર્માતા કંપનીઓ માટે સપ્લાય લાઇન અવરોધાવાનો ખતરો ઉભો થયો છે.

ચીને બિઝનેસના મોર્ચે અમેરિકા પર પ્રહાર કરવાની સાથે જ અમેરિકાની જનતાને સીધી અપીલ કરવાનું પણ શરૂ કર્યુ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર એક વીડિયો પોસ્ટ કરી તેમાં એક અમેરિકન ઇમ્પોર્ટરને દેખાડ્યો હતો. તે વ્યક્તિ અમેરિકન જનતાને ખાસ કરીને ટ્રમ્પ સમર્થકોને સંબોધતા આ ચેતવણી આપતો દેખાય છે કે ટ્રમ્પની આ આક્રમક વેપાર નીતિઓથી વિદેશી રાષ્ટ્રો નહીં પરંતુ અમેરિકાના સામાન્ય નાગરિકોએ નુકસાન વેઠવું પડશે, આ પોલિસીઓને કારણે આયાતી વસ્તુઓની કિંમતો વધશે અંતે તેનો બોજ અમેરિકન ગ્રાહકોની કેડે જ આવશે.

ટેરિફવૉર બંધ કરવા ટ્રમ્પનો નનૈયો
ચીને અમેરિકાની જનતાને અપીલ સાથે બીજી તરફ અમેરિકન તંત્રને પણ ટેરિફ ઘટાડવા કહ્યુ હતું પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મુદ્દે મક્કમ છે. તેમણે હુંકાર કરતા કહ્યું હતું કે તેઓ કોઇપણ દેશને નહીં છોડે

ટ્રમ્પે ચીન સિવાયના દેશો માટેના નવા ટેરિફ 90 દિવસ સ્થગિત કરતાં વૈશ્વિક માર્કેટને રાહત મળી છે. આ ટેરિફમાં રાહત આપવાના નિર્ણય માટેના કારણોમાં અમેરિકાના બોન્ડ અને શેર બજાર બંને એક સાથે તૂટ્યા હતા. નિષ્ણાતોના મતાનુસાર ટ્રમ્પના ટેરિફની શંકાને કારણે ચીન જેવા દેશોએ અમેરિકન બોન્ડ વેચવાનું શરૂ કર્યુ હતું જેના કારણે બોન્ડ માર્કેટ ધરાશાયી થયું હતું . ઉપરાંત અમેરિકમાં રોકડનું સંકટ વધવા લાગ્યું હતું. જેથી મોંઘવારી વધવાનો ખતરો વધ્યો હતો.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments