અમેરિકામાં અભ્યાસ કરતાં ભારતીય મૂળના એક કોલેજ વિદ્યાર્થીનું સ્નાતક થવાના થોડા દિવસો પહેલા જ હોટલની બાલ્કનીમાંથી આકસ્મિક રીતે પડી જવાથી બહામાસમાં મૃત્યુ થયું હતું. ગૌરવ જયસિંહ મેસેચ્યુસેટ્સની બેન્ટલી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હતાં અને રવિવારે અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું ત્યારે વાર્ષિક સિનિયર ક્લાસ ટ્રીપ માટે બહામાસમાં હતાં.
બેન્ટલી યુનિવર્સિટીએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “થોડા દિવસો મુશ્કેલ રહ્યાં છે અને અમારો સમુદાય ગૌરવ જયસિંહ ’25 ના દુ:ખદ અવસાનનો આઘાત અનુભવી રહ્યો છે. અમારા હૃદય ગૌરવના પરિવાર અને મિત્રો પ્રત્યે છે. અમે 17મેના રોજ યોજાનાર અંડરગ્રેજ્યુએટ સમારોહમાં ગૌરવનું સન્માન કરવાની યોજના બનાવી રહ્યા છીએ.”
રોયલ બહામાસ પોલીસ ફોર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 11 મેના રોજ પોલીસે પેરેડાઇઝ આઇલેન્ડ પર એક પુખ્ત પુરુષના મૃત્યુની આસપાસના સંજોગોમાં તપાસ શરૂ કરી હતી.રાત્રે લગભગ ૧૦ વાગ્યાની આસપાસ, પીડિત તેના હોટલના રૂમમાં અન્ય રૂમમેટ્સ સાથે હતો “ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે તે આકસ્મિક રીતે ઉપરના માળની બાલ્કનીમાંથી પડી ગયો હતો. બાદમાં તે નીચેના માળે બેભાન હાલતમાં મળી આવ્યો હતો.ઇમરજન્સી મેડિકલ સેવાઓએ તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.
