ભારતના ઓપરેશન સિંદૂરનું મીડિયાને બ્રિફિંગ કરનારા કર્નલ સોફિયા કુરેશી સામે કથિત વિવાદાસ્પદ ટીપ્પણી કરનારા મધ્યપ્રદેશના પ્રધાન વિજય સામે જબલપુર હાઇકોર્ટે તાકીદે FIR દાખલ કરવાનો પોલીસને આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે કર્નલ કુરેશી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવા અને ગટરની ભાષા વાપરવા બદલ વિજય શાહની આકરી ઝાટકણી કાઢી હતી.
આ મામલાની સુઓ મોટો કાર્યવાહી હાથ ધરીને કોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો બે સમુદાય વચ્ચે દુશ્મનાવટ અને નફરતને પ્રોત્સાહન બદલ વિજય શાહ સામે બુધવારે સાંજે 6 વાગ્યા સુધીમાં ફરિયાદ દાખલ કરીને કોર્ટને રિપોર્ટ આપવામાં આવે. જો પોલીસ આવું કરવામાં નિષ્ફળ રહેશે તો રાજ્યના પોલીસ મહાનિર્દેશક સામે કાર્યવાહી કરવાનું વિચારી શકે છે.
કોંગ્રેસે મંગળવારે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં વિજય શાહ એવું કહેતા સંભાળાય છે કે ‘જિન્હોને હમારી બેટીયોં કે સિંદૂર ઉજાડે થે… હમને ઉનકી હી બહેન કો ભેજ કર કે ઉનકી ઐસી કી તૈસી કરવા દી’. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ બન્યો હતો અને ચોતરથી વિજય શાહની આકરી ટીકા થઈ હતી. આકરી નિંદા પછી મધ્યપ્રદેશના આદિવાસી બાબતોના આ મંત્રીએ કહ્યું હતું કે જો તેમના નિવેદનથી કોઈને દુઃખ થયું હોય, તો તેઓ દસ વાર માફી માંગવા તૈયાર છે. તેઓ તેમની બહેન કરતાં કર્નલ કુરેશીનો વધુ આદર કરે છે.
