ભારત સાથેના વેપાર કરાર પછી યુકે દ્વારા બ્રિટનના રાષ્ટ્રીય હિતમાં બીજો સીમાચિહ્નરૂપ કરાર દ્વારા અમેરિકા સાથે કરવામાં આવ્યો છે. સ્ટીલ અને એલ્યુમિનિયમ સાથે ઓટોમોટિવ્સ પરનો યુએસ ટેરિફ તાત્કાલિક 27.5%થી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે.
આ ઐતિહાસિક આર્થિક સોદાથી કાર ઉત્પાદન અને સ્ટીલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની હજારો નોકરીઓ બચી ગઈ છે અને નિકાસકારો માટે સોદો સ્થિરતા પૂરી પાડે છે.
આ કરાર દ્વારા વડા પ્રધાને યુકે સ્ટીલ અને બ્રિટિશ કાર ઉત્પાદકોને બચાવવાના તેમના વચનને પૂર્ણ કર્યું છે અને દેશભરમાં હજારો નોકરીઓ બચાવી છે.
કાર નિકાસ ટેરિફ 27.5% થી ઘટાડીને 10% કરવામાં આવશે જેથી એકલા જેગ્વાર લેન્ડ રોવરને જ દર વર્ષે કરોડો ડોલરની બચત થશે. આ કરાર 100,000 યુકે કારના ક્વોટા પર લાગુ થશે, જે ગયા વર્ષે યુકે દ્વારા નિકાસ કરાયેલ કુલ કાર કરતાં લગભગ વધારે છે.
થોડા અઠવાડિયા પહેલા પતનની અણી પર રહેલા યુકે સ્ટીલ ઉદ્યોગને સોદાને કારણે હવે ટેરિફનો સામનો કરવો પડશે નહીં. વડા પ્રધાને 25% ટેરિફ શૂન્ય સુધી ઘટાડવાની વાટાઘાટો કરી હતી. તો યુકેના ખેડૂતોને 13,000 મેટ્રિક ટન માટે ટેરિફ ફ્રી ક્વોટા આપવામાં આવ્યો છે. વળતા પગલામાં બીયર બનાવવા માટે જરૂરી એવા યુએસથી યુકેમાં આવતા ઇથેનોલ પર કોઇ ટેરિફ લગાવાશે નહિં.
વડા પ્રધાન કેર સ્ટાર્મરે કહ્યું હતું કે “આ ઐતિહાસિક કરાર બ્રિટિશ બિઝનેસીસ અને બ્રિટિશ કામદારો માટે કાર ઉત્પાદન અને સ્ટીલ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં હજારો બ્રિટિશ નોકરીઓનું રક્ષણ કરે છે. યુકે પાસે યુનાઇટેડ સ્ટેટ્સ કરતાં મોટો કોઈ સાથી નથી. મારી સરકાર યુકેના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે વધુ અને ઝડપથી આગળ વધવા માટે કટિબદ્ધ છે.”
બિઝનેસ એન્ડ ટ્રેડ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે “મને આનંદ છે કે યુએસ સાથેનો સોદો યુકે ઉદ્યોગ માટે ટેરિફ ઘટાડે છે અને બિઝનેસીસ માટે ખર્ચ ઘટાડે છે. અમે વ્યાપક આર્થિક સોદા દ્વારા યુએસ સાથેના અમારા વેપાર સંબંધોને મજબૂત બનાવવા માટે આતુર છીએ.”
