લંડનમાં 31 વર્ષીય એક મહિલાએ વૈભવી જીવન જીવવા માટે તેની કંપની સાથે અંદાજે 200,000 પાઉન્ડની ઉચાપત કરી હતી. આ કેસમાં તેને પાંચ વર્ષ અને 10 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. નોર્થ લંડનની રહેવાસી અનિતા મીરમોહમ્મદીએ 2018 માં બ્રેન્ટવૂડસ્થિત એક બિઝનેસની ફાઇનાન્સ ટીમમાં મેનેજર તરીકે નોકરી શરૂ કરી હતી. પછી તેને ત્યાં કંપનીના બિઝનેસ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાની સુવિધા મળી હતી. તેણે કંપનીના કાર્ડનો ઉપયોગ અંગત શોખ પૂરા કરવા માટે કર્યો હતો અને કંપનીમાંથી નાણા મેળવવા માટે બનાવટી બિલ રજૂ કર્યા હતા. તેણે આ નાણાથી હેરોડ્સ અને સેલ્ફ્રીજમાંથી ખરીદી કરી હતી અને મર્સિડીઝ બેન્ઝ જેવી લક્ઝરી કાર ખરીદી હતી. તે રજા માણવા માટે મેક્સિકો, તુર્કી અને દુબઈ પણ ગઇ હતી. બીબીસીના રીપોર્ટમાં જણાવ્યા મુજબ, મે 2022માં દુબઈથી પરત આવ્યા પછી અનિતા મીરમોહમ્મદીની લંડન ગેટવિક એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેણે આ પ્રવાસનો ખર્ચ બ્રેન્ટવૂડમાં તેની કંપની પાસેથી લેવામાં આવેલી રોકડ રકમમાંથી ચૂકવ્યો હતો. આ મહિલાનું કોઈ નિશ્ચિત સરનામું નથી, તેને ખોટી વાતો રજૂ કરીને કંપની સાથે છેતરપિંડી કરવાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવી હતી.
