ભારતીય ફિલ્મ નિર્માત્રી પાયલ કાપડિયાએ ગત વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની ‘ઓલ વી ઇમેજિન એઝ લાઈટ’ ફિલ્મ માટે ઐતિહાસિક ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ મેળવ્યો હતો. હવે આ વર્ષે પાયલ કાપડિયા ફેસ્ટિવલમાં જ્યૂરી મેમ્બરની ભૂમિકા ભજવી રહ્યા છે. પાયલ કાપડિયાની સાથે આ પ્રતિષ્ઠિત જ્યૂરીમાં હોલીવૂડ સ્ટાર હેલી બેરી, ઇટાલિયન અભિનેત્રી અલ્બા રોહરવાચર, ફ્રેન્ચ-મોરોક્કન લેખિકા લીલા સ્લિમાની, કોંગોલીઝ ફિલ્મ નિર્માતા ડિયૂડો હમાદી અને કોરિયન દિગ્દર્શક હોંગ સેંગ-સૂ સહિતના આંતરરાષ્ટ્રીય કલાકારો પણ છે. ગત વર્ષે પાયલ કાપડિયાની ‘ઓલ વી ઇમેજિન એઝ લાઈટ’એ પ્રતિષ્ઠિત ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ મેળવીને ખૂબ ચર્ચા જગાવી હતી, જે એક સીમાચિહ્નરૂપ સફળતા હતી અને આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય દિગ્દર્શક હતા. પેટિટ કેઓસ અને ચોક એન્ડ ચીઝ ફિલ્મ્સની ઇન્ડો-ફ્રેચ સહનિર્મિત આ ફિલ્મ, મુંબઈની નર્સ પ્રભા પર કેન્દ્રિત હતી, જેનું જીવન અચાનક છૂટા પડેલા પતિ દ્વારા મળેલી ભેટથી અસર પામે છે. આ ફિલ્મને 82મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મની શ્રેણીઓમાં નોમિનેશન મળ્યું હતું, અને ત્રણ શ્રેણીઓમાં બાફ્ટામાં સ્થાન આપવામાં આવ્યું હતું. ગત વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તે ત્રણ દાયકામાં મુખ્ય સ્પર્ધામાં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની હતી. આ ફિલ્મ સ્ત્રી મિત્રતા, પ્રેમ અને ઇચ્છાઓને કરુણ રીતે રજૂ કરવામાં આવી હતી.
પાયલ કાપડિયા અગાઉ પણ, ઘણી પ્રતિષ્ઠિત ભારતીય હસ્તીઓએ કાનની જ્યૂરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં મૃણાલ સેન, મીરા નાયર, શેખર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, નંદિતા દાસ, શર્મિલા ટાગોર, વિદ્યા બાલન અને દીપિકા પદુકોણ જેવા નામો સામેલ છે. એવોર્ડ વિજેતાઓની જાહેરાત 24 મેના રોજ સમાપન સમારોહમાં કરવામાં આવશે.
