
- રિતિકા સિદ્ધાર્થ દ્વારા
યુકેના ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી તા. 16ના શુક્રવારે ઇસ્લામાબાદ પહોંચ્યા હતા અને બ્રિટિશ સરકારના આતંકવાદનો સામનો કરવાના અને ભારત – પાકિસ્તાન વચ્ચેના “નાજુક યુદ્ધવિરામને કાયમી” બનાવવાના યુકેના દૃઢ નિર્ધારને પુનરાવર્તિત કર્યો હતો.
લેમી પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ, વિદેશ પ્રધાન ઇશાક દાર અને ગૃહ પ્રધાન સૈયદ મોહસીન રઝા નકવી સહિત વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓને મળ્યા હતા.
લેમીએ ગયા શુક્રવારે એક ફોન કોલ પર પસંદગીના પત્રકારોને જણાવ્યું હતું કે “યુદ્ધવિરામનું પાલન કરવું મહત્વપૂર્ણ છે, અને હું તેને નાજુક ગણાવું છું, તેથી જ હું અહીં છું. બંને દેશો યુકેના લાંબા સમયથી મિત્ર છે. હું મારા સમકક્ષો સાથે ગાઢ સંપર્કમાં છું જેથી વધુ તણાવ ટાળી શકાય અને યુદ્ધવિરામ માટે દબાણ કરી શકાય.’’
તેમણે કહ્યું હતું કે “હું યુનાઇટેડ સ્ટેટ્સ, સાઉદી અરેબિયા, યુએઈ, યુરોપિયન યુનિયનમાં સમકક્ષો સાથે નિયમિત સંપર્કમાં છું, જેથી ચર્ચા કરી શકાય કે યુકે ભારત અને પાકિસ્તાન સાથે વધુ સંઘર્ષ ટાળવા માટે કેવી રીતે શ્રેષ્ઠ રીતે કામ કરી શકે. યુદ્ધવિરામ સુધી પહોંચવું એ મહત્વપૂર્ણ બાબત છે. તણાવ ઓછો કરવામાં અને યુદ્ધવિરામ માટે સંમત થવામાં પાકિસ્તાન અને ભારત બંનેની રાજનીતિ પ્રભાવશાળી લાગી છે.”
લેમીએ કહ્યું હતું કે, “હું સંપૂર્ણપણે સ્પષ્ટ છું કે ભારત પ્રશાસિત કાશ્મીરમાં કરાયેલો આતંકવાદી હુમલો ભયાનક હતો, અને અમારા વિચારો અસરગ્રસ્તો, તેમના પ્રિયજનો અને અલબત્ત, ભારતના લોકો સાથે છે. યુકે સરકાર હંમેશા તમામ સ્વરૂપોના આતંકવાદની નિંદા કરવામાં સ્પષ્ટ રહ્યું છે. મેં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને મારી સંવેદના વ્યક્ત કરવા માટે ફોન કર્યો હતો. અહીં પાકિસ્તાનમાં, હું આતંકવાદના મુદ્દા પર અને પાકિસ્તાનમાં આતંકવાદ સાથે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ તેની ચર્ચા કરી રહ્યો છું. અમે બંને દેશો સાથે મિત્ર છીએ. બંને પક્ષો સાથે અમારા ગાઢ સંબંધો છે.”
લેમીએ કહ્યું હતું કે “ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષની છબીઓ બ્રિટનમાં ખાસ કરીને ભારતીય અને પાકિસ્તાની વારસાના લાખો બ્રિટિશ નાગરિકો અને આ બંને દેશોમાં રહેતા ઘણા બ્રિટિશ નાગરિકો માટે દુઃખદાયક હતી. આતંકવાદી હુમલા પછી, યુકેએ તણાવ ઘટાડવા, યુદ્ધવિરામ કરવા અને આતંકવાદની નિંદા કરવા માટે સહાયક ભૂમિકા ભજવવા માટે શક્ય તેટલું બધું કર્યું છે. અમે આતંકવાદનો સામનો કરવા અને આ નાજુક યુદ્ધવિરામને કાયમી બનાવવા માટે અમારી ભૂમિકા ભજવવા કટિબદ્ધ છીએ.”
લેસ્ટરમાં થોડા વર્ષો પહેલા હિંસાના દ્રશ્યો જોવા મળ્યા હતા, પરંતુ લેમીએ કહ્યું હતું કે આ વખતે સમુદાયોએ જવાબદારીપૂર્વક કાર્ય કર્યું છે.
તેમણે ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે “દેશભરના સમુદાયો માટે આ એક અસ્વસ્થતાભર્યો સમય રહ્યો છે – આપણી પાસે ભારત અને પાકિસ્તાનના મૂળના ત્રીસ લાખથી વધુ લોકો છે. તા. ૧૩ના રોજ હાઉસ ઓઉ કોમન્સમાં અમને મૌખિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, અને સાંસદોએ આ મુદ્દાઓ ઉઠાવવાની તક ઝડપી લીધી હતી. હું જાણું છું કે સ્થાનિક અધિકારીઓ દેશભરના સમુદાયોમાં સામેલ થયા છે. ચિંતા રહી છે, પરંતુ આપણી પાસે એવા સમુદાયો છે જે બાજુમાં રહે છે. ભલે ભારત-પાકિસ્તાનમાંથી બહાર આવતી છબીઓ ખૂબ જ ચિંતાજનક હોય, સમુદાયોએ જવાબદારીપૂર્વક કાર્ય કર્યું છે અને પ્રિયજનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બ્રિટીશ કોન્સ્યુલર સ્ટાફે પાકિસ્તાનમાં બ્રિટિશ નાગરિકોને મહત્વપૂર્ણ ટેકો અને સલાહ પૂરી પાડી હતી. તેમણે લોકોના 2000 થી વધુ કોલ્સ લીધા હતા અને લોકોને કટોકટી મુસાફરી દસ્તાવેજો મેળવવામાં મદદ કરી હતી.’’
યુકેના ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)એ જણાવ્યું હતું કે ‘’શુક્રવારની શ્રી લેમીની મુલાકાતનો હેતુ પ્રદેશ માટે સતત સ્થિરતાના મહત્વ પર ભાર મૂકવાનો છે. લેમી ભારત સરકાર સાથે સતત સંપર્કમાં રહ્યા છે. તેમણે ગુરુવારે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વાતચીત કરી છે અને યુકે-ભારત સંબંધોને મજબૂત બનાવવા માટે ટૂંક સમયમાં નવી દિલ્હીની યાત્રા કરવા માંગે છે.’’
પાકિસ્તાનના વિદેશ પ્રધાન ડાર અને લેમીએ દક્ષિણ એશિયામાં તાજેતરના વિકાસ, ખાસ કરીને પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધવિરામ સમજૂતી પછીની પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરી હતી. બંને પક્ષોએ વધુ ઉગ્રતાને રોકવા અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા જાળવવા માટે સંયમ અને સતત વાતચીતના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ મુલાકાત પહેલા લેમીએ હાઉસ ઓફ કોમન્સમાં કહ્યું હતું કે “આપણે ભયાનક આતંકવાદ જોયો છે. 26 નાગરિકોને કપડાં ઉતારીને ગોળી મારી દેવામાં આવી હતી – તે ભયાનક હતું અને અમે તેની નિંદા કરીએ છીએ.”
