બોલીવૂડની યુવા અભિનેત્રી અને રણવીર સિંઘની પત્ની દીપિકા પદુકોણ અત્યારે તેની પુત્રીના ઉછેરમાં વ્યસ્ત હોવાથી ફિલ્મના શૂટિંગથી દૂર છે. પરંતુ તે ટૂંક સમયમાં ફરીથી પોતાનું કામ શરૂ કરશે. તે નવી એક્શન ફિલ્મ ‘સ્પિરિટ’માં પ્રભાસ સાથે જોવા મળશે. આ ફિલ્મની ખાસ ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે તે ફિલ્મ માટે દીપિકાએ રૂ. 20 કરોડ ફી પેટે નક્કી કર્યા હોવાનું કહેવાય છે. મીડિયા રીપોર્ટસમાં જણાવ્યા મુજબ, માતા બન્યા પછી આ ફિલ્મ દીપિકાના કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ હશે, જેના માટે તેણે સૌથી વધુ ફી લીધી છે. દીપિકા બોલીવૂડની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી છે, પરંતુ અત્યાર સુધી તેણે કોઈ ફિલ્મ માટે આટલી મોટી રકમ ફી તરીકે લીધી નથી. બોલીવૂડમાં
દીપિકા પદુકોણને એક સક્રીય અભિનેત્રી માનવામાં આવે છે. પોતાની મહેનત અને પ્રતિભાના બળે તેણે દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. લગ્ન અને માતૃત્વ પછી પણ દીપિકાની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. તેના ચાહકો તેને ફિલ્મોમાં જોવા માટે ખૂબ જ ઉત્સુક છે, જેના કારણે ભારતભરના નિર્માતાઓ તેની સાથે ફિલ્મો સાઈન કરવામાં ખચકાતાં નથી. ‘સ્પિરિટ’ પછી દીપિકા ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી એક્ટ્રેસ બની જશે. હાલમાં કોઈ અન્ય એક્ટ્રેસે એક ફિલ્મ માટે આટલી મોટી રકમ ચાર્જ કરતી નથી.
અગાઉ સૌથી મોંઘી અભિનેત્રીનું બિરુદ આલિયા ભટ્ટ પાસે હતું, પરંતુ હવે દીપિકાએ તે રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે સમગ્ર દેશમાં દીપિકા કરતાં વધુ ફી લેનારી કોઈ અભિનેત્રી નથી. અભિનેત્રીઓની ફી હંમેશાં અભિનેતાઓ કરતાં ઓછી રહી છે, અને તે અંગે ઘણીવાર જાહેર નિવેદન પણ થયા છે. પરંતુ દીપિકાએ ઘણા મોટા અભિનેતાઓને પણ ફીની બાબતમાં પાછળ છોડી દીધા છે. ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેમને એક ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા પણ મળતા નથી. દીપિકાની નવી ફિલ્મોમાં ‘પઠાણ 2’, ‘ફાઈટર 2’, ‘બ્રહ્માસ્ત્ર 2’, ‘કલ્કી 2898 AD’નો બીજો ભાગ અને ‘ધ ઈન્ટર્ન’નો સમાવેશ થાય છે.

LEAVE A REPLY