બ્રિટનના અબજોપતી લોકો પૈકીના એક એવા સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલે દુબઇનું સૌથી મોંઘુંદાટ મનાતું મેન્શન ખરીદ્યું છે. ભારતીય મૂળના બ્રિટિશ અબજોપતિએ દુબઇમાં બેવરલી હિલ્સ ઓફ દુબઇ નામક કમ્યુનિટીમાં એક વૈભવી ઘરની ખરીદી કરી છે. સૂત્રોએ નામ નહીં આપવાની શરતે આ માહિતી આપી હતી. સૂત્રોએ વધુમાં ઉમેર્યુ હતું કે આ વર્ષની શરુઆતમાં આ ઘરની ખરીદી કરાઈ હતી.
અમિરાત હિલ્સ કમ્યુનિટીમાં આવેલું આ બેરોક શૈલીનું ઘર 2023માં 200 મિલિયન ડૉલરની કિંમતે વેચાણ માટે મુકાયું હતું. અને આ ઘર ગોલ્ડ લીફથી સજાવાયું હતું. જો કે, આ ઘર તેની લિસ્ટ કરાયેલી કિંમત કરતા અડધી કિંમતે વેચાયું છે. ઉલ્લેખનીય છે કે લક્ષ્મી મિત્તલ સ્ટીલ જાયન્ટ કંપની આર્સેલર મિત્તલ એસએના એક્ઝીક્યુટીવ ચેરમેન છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર તેની કુલ સંપત્તિ $23 અબજની છે. તેણે કરેલી આ ખરીદી દુબઇમાં હજુ સુધીના સૌથી મોંઘું આવાસમાંનું એક છે. કોરોના વાઇરસની મહામારી અતિ ધનાઢય લોકો દુબઈ તરફ આકર્ષાયા હતા અને તે હાલમાં વિશ્વનો સૌથી સારો દેખાવ કરનારી પ્રોપર્ટી માર્કેટ બની ગઈ છે. ભારતના અબજોપતિ મુકેશ અંબાણીના પરિવારે પણ દુબઇમાં એક વૈભવી રીયલ એસ્ટેટની ખરીદી કરી છે. દુબઇમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન પ્રોપર્ટીની કિંમતોમાં 70 ટકાનો ભારે વધારો નોંધાયો હતો. શહેરના લક્ઝરી માર્કેટમાં આ ભારે તેજી વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પણ યથાવત રહી હતી અને શ્રીમંત ગ્રાહકોએ $10 મિલિયન કરતા વધારે કિંમતના મકાનો ખરીદવામાં ભારે રસ દાખવ્યો છે.
