અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને હાર્વર્ડ યુનિવર્સિટીમાં હવે વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ટ્રમ્પ તંત્રે હોમલેન્ડ સીક્યુરિટી ડીપાર્ટમેન્ટ દ્વારા ગુરુવારે આ અંગેના આદેશ જાહેર કર્યા હતા. જે મુજબ, હવે હાર્વર્ડ યુનિવર્સિટી નવા વિદેશીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં અને જે વિદ્યાર્થીઓ અત્યારે તેમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે ટ્રાન્સફર લેવાનો કે કાયદેસર ઈમિગ્રેશન સ્ટેટસ ગુમાવવાનો ખતરો ઊભો થવાની સંભાવના છે. આ પગલાથી સ્પષ્ટ છે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અને હાવર્ડના મેનેજમેન્ટ વચ્ચેનું ઘર્ષણ વધુ ઉગ્ર બની શકે છે. હાર્વર્ડ અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે અને તેમાં વિશ્વભરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. હાર્વર્ડ અને ટ્રમ્પ તંત્ર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હાર્વર્ડે તંત્ર સામે ફેડરલ કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો હતો અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તે ટ્રમ્પ સરકારની માગણીઓને સ્વીકારશે નહીં. હાર્વર્ડે જણાવ્યું છે કે તંત્રનું આ પગલું સંપૂર્ણપણે ગેરકાયદે છે. આ નિર્ણયથી હાર્વર્ડ પર મોટી અસર થશે, કારણ કે તેમાં 27 ટકા વિદ્યાર્થીઓ વિદેશી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તંત્રે હાર્વર્ડ પર આક્ષેપ કર્યો હતો કે, યુનિવર્સિટીએ એવા વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે જેમનો વ્યવહાર કેમ્પસમાં અમેરિકા વિરુદ્ધ અને ત્રાસવાદીઓને સમર્થન આપનાર જેવો છે.
હોમલેન્ડ સીક્યુરિટી ડીપાર્ટમેન્ટના સેક્રેટરી ક્રિસ્ટી એલ. નોએમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હાર્વર્ડ યુનિવર્સિટીએ તંત્રની તે વિનંતીને અવગણી હતી, જેમાં કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં હિંસક પ્રદર્શન અથવા ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ વિદ્યાર્થીઓનો રેકોર્ડ આપવામાં આવે. તેમણે આ પણ કહ્યું હતું કે હાર્વર્ડે ચીનની પેરામિલિટરી ફોર્સના સભ્યોને આમંત્રિત કર્યા હતા અને તેમને તાલીમ આપી હતી.
