BCCIએ મંગળવારે જણાવ્યું હતું કે તેને ભારતના ત્રણેય લશ્કરી દળોના વડાઓને 3 જૂને અમદાવાદમાં IPL ફાઇનલમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે. આઇપીએલના સમાપન સમારોહમાં તાજેતરના ઓપરેશન સિંદૂર દરમિયાન સૈનિકોના વીર પ્રયાસોના સલામ આપવામાં આવશે.
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ એક મીડિયા નિવેદનમાં આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે “અમે ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા માટે અમદાવાદમાં આઈપીએલ ફાઇનલ માટે ભારતીય સશસ્ત્ર દળોના વડાઓ, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને સૈનિકોને આમંત્રણ આપ્યું છે. બીસીસીઆઈ દેશના સશસ્ત્ર દળોની બહાદુરી, હિંમત અને નિઃસ્વાર્થ સેવાને સલામ કરે છે.
ઓપરેશન સિંદૂર હેઠળના વીર પ્રયાસોની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે અમે સમાપન સમારોહ સશસ્ત્ર દળોને સમર્પિત કરવાનો અને આપણા નાયકોનું સન્માન કરવાનો નિર્ણય કર્યો છે. ક્રિકેટ એક રાષ્ટ્રીય જુસ્સો છે, ત્યારે રાષ્ટ્ર અને તેની સાર્વભૌમત્વ, અખંડિતતા અને આપણા દેશની સુરક્ષાથી મોટું કંઈ નથી.
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આર્મી ચીફ છે, જ્યારે એડમિરલ દિનેશ કે ત્રિપાઠી નૌકાદળના વડા છે. એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ વાયુસેનાના વડા છે.
