કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા (CFoI)ના નવનિયુક્ત સહ-અધ્યક્ષો કુલેશ શાહ અને સર ઓલિવર ડાઉડેન CBE સાંસદે તાજ હોટેલના સેન્ટ જેમ્સ કોર્ટ ખાતે સમર રિસેપ્શન 2025નું આયોજન કર્યું હતું, જેમાં સ્થાયી સંબંધો અને ભવિષ્ય માટે એક સહિયારા દ્રષ્ટિકોણની ઉજવણી કરવામાં આવી
હતી.
વિશેષ અતિથિ તરીકે યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન લોર્ડ ડેવિડ કેમરને ઉત્તેજક અને ચિંતનશીલ મુખ્ય ભાષણ આપ્યું હતું. CFoI ના સ્થાપક લોર્ડ ડોલર પોપટનું ભારત-બ્રિટિશ સંબંધોને મજબૂત બનાવવાની લાંબા સમયથી પ્રતિબદ્ધતા બદલ ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.
લોર્ડ કેમેરોને કન્ઝર્વેટિવ પાર્ટી અને બ્રિટિશ ભારતીય સમુદાય વચ્ચે ઉદ્યોગસાહસિકતા, સખત મહેનત, કુટુંબ અને સમુદાયની મજબૂત ભાવના જેવા મુખ્ય મૂલ્યોની આસપાસ કુદરતી સંરેખણ પર ભાર મૂક્યો હતો. કેમરને વેમ્બલી સ્ટેડિયમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક ભાષણની યાદ શેર કરતા કહ્યું હતું કે “તે રાત્રે, મેં કહ્યું હતું કે કન્ઝર્વેટિવ પાર્ટી બ્રિટનને તેનો પ્રથમ ભારતીય મૂળનો વડા પ્રધાન આપશે. મને ખબર નહોતી કે યુવાન ઋષિ સુનક તેમના માતાપિતા સાથે પ્રેક્ષકોમાં હતા. સાત વર્ષ પછી, તે દ્રષ્ટિ વાસ્તવિકતા બની હતી.”
ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના નવનિયુક્ત સહ-અધ્યક્ષ સર ઓલિવર ડાઉડેન KCB CBE સાંસદે યુકેના આર્થિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં બ્રિટિશ ભારતીય સમુદાયના નોંધપાત્ર યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે વિદાય લેતા સહ-અધ્યક્ષ રીના રેન્જર અને અમિત જોગિયાની પ્રભાવશાળી સેવા માટે સરાહના કરી હતી.
નવનિયુક્ત સહ-અધ્યક્ષ કુલેશ શાહે તેમના બ્રિટિશ ભારતીય વારસા પર પ્રતિબિંબ પાડી યુકે અને ભારત વચ્ચે મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખવાનું વચન આપ્યું હતું. યુકેમાં ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ પોતાના સંબોધનમાં યુકે-ભારત સંબંધોના મજબૂત સ્વભાવ પર પ્રકાશ પાડ્યો હતો.
રિસેપ્શનનું સંચાલન કાઉન્સિલર અમિત જોગિયા MBE અને કાઉન્સિલર રીના રેન્જર OBE દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
