(ANI Photo)

સૌરાષ્ટ્રની વિસાવદર અને ઉત્તર ગુજરાતની કડી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને કડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો વિજય થયો હતો. વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાએ ભાજપના ઉમેદવારને 17,581 મતથી પરાજય આપ્યો હતો. AAPને કુલ 75,906 વોટ મળ્યાં હતાં, જ્યારે ભાજપને 58,325 અને કોંગ્રેસને માત્ર 5491 મળ્યાં હતાં.

કડી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાને ૯૮,૮૩૬ મતો મળ્યાં હતાં અને તેમણે કોંગ્રેસના રમેશ ચાવડાને ૩૮,૦૦૦થી વધુ મતોથી હરાવ્યા હતાં. આ બેઠક પર આમ આદમી પાર્ટી ત્રીજા સ્થાને રહી હતી.
વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની ગુરુવાર, 19 જૂને યોજાયેલી પેટાચૂંટણીમાં અનુક્રમે 57.90 ટકા અને 56.89 ટકા મતદાન થયું હતું.

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)એ બંને બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હોવાથી ત્રિકોણીય ચૂંટણીજંગ હતો.

તત્કાલીન AAP ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપીને શાસક ભાજપમાં જોડાયા પછી ડિસેમ્બર 2023થી વિસાવદર બેઠક ખાલી પડી હતી. ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીના મોતને કારણે કડી બેઠક ખાલી પડી હતી.
વિસાવદર બેઠક પર ભાજપે કિરિટ પટેલ અને કોંગ્રેસે નીતિન રાણપરિયા તથા આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા હતાં. ગુજરાતમાં ભાજપનું વર્ચસ્વ હોવા છતાં ભાજપ 2007થી વિસાવદર બેઠક જીતી શક્યું નથી. 2022માં આમ આદમી પાર્ટીના ભુપેન્દ્ર ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયાને 7,063 મતથી પરાજય આપ્યો હતો.
કડી બેઠક પર ભાજપે રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસે રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને મેદાનમાં ઉતર્યા હતા. કડી બેઠક પર રમેશ ચાવડા 2012માં વિજયી બન્યાં હતાં અને 2017 ભાજપના કરસન ચોલંકી સામે હારી ગયાં હતાં.

ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો 182 છે. તેમાં ભાજપની સભ્યસંખ્યા 161 અને કોંગ્રેસની સભ્યસંખ્યા 12 છે.

LEAVE A REPLY