કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં કોગ્નિઝેન્ટ મેજર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટના આરંભ પૂર્વે ગઈ તા. 11મીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ટુર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ છ ટીમના સુકાનીઓ ઉપરાંત ઓકલેન્ડના મેયર બાર્બરાલી, ઓકલેન્ડ સીટી કાઉન્સીલના ભૂતપૂર્વ મેમ્બર રેબેકા કાપ્લાન તથા ફ્રેમોન્ટના મેયર રાજ સાલ્વાન પણ ઉપસ્થિત રહ્યા હતા. લીગની ઉપસ્થિતિના વિસ્તરણ સાથે આ વખતે પહેલીવાર બે એરીઆ અને વેસ્ટ કોસ્ટમાં પણ મેચોનું આયોજન થયું હતું. એકંદરે આ ટુર્નામેન્ટમાં ત્રણ અલગ અલગ શહેરોમાં મળી કુલ 34 મેચ રમાશે.
ટુર્નામેન્ટનો પ્રથમ તબક્કો ઓકલેન્ડમાં તા. 12 થી 18 જુન સુધી પૂર્ણ થયો, હાલમાં બીજો તબક્કો ટેકસાસના ગ્રાંડ પ્રેઈરીમાં 20 જુનથી શરૂ થઈ ગયો છે અને તે 29 જુન સુધી ચાલશે, તે પછી ત્રીજો તબક્કો ફલોરિડાના 1 જુલાઈથી 6 જુલાઈ સુધી યોજાશે અને અંતિમ તબક્કો ફરી ટેક્સાસના ગ્રાંડ પ્રેઈરીમાં 8 થી 13 જુલાઈ દરમિયાન ફાઈનલ્સનો રહેશે.
ગયા વર્ષે મેજર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રસારણ વિશ્વભરમાં 100 મિલિયનથી વધુ ક્રિકેટ ચાહકોએ નિહાળ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
