મદ્રાસ હાઈકોર્ટેએ તાજેતરમાં એક ચુકાદામાં જણાવ્યું હતું કે લગ્ન પછી મહિલાઓનું અંગત જીવન ખતમ થતું નથી. મહિલાઓએ પાસપોર્ટ બનાવવા જેવા કામો માટે પતિની મંજૂર લેવી જરુરી હોવી જોઈએ નહીં. મહિલાની પાસે પોતાના પતિની મંજૂરી કે સાઇન વિના પાસપોર્ટ માટેની અરજી કરવાનો પૂરો અધિકાર છે.
હાઇકોર્ટે જણાવ્યું હતું કે પાસપોર્ટ માટે અરજી કરવા પણ પતિની મંજૂરી લેવાની જરુરિયાત મહિલાઓની આઝાદીમાં અવરોધ છે અને આ પુરુષપ્રધાન સમાજની નિશાની છે. હાઈકોર્ટે પાસપોર્ટ અધિકારીઓને ચાર સપ્તાહમા પાસપોર્ટ ઈશ્યુ કરવાનો પણ આદેશ આપ્યો હતો.
ચેન્નઇ સ્થિત ક્ષેત્રીય પાસપોર્ટ ઓફિસે એક મહિલાની પાસપોર્ટની અરજી એ આધાર પર સ્થગિત કરી હતી કે તેના પતિના અરજીપત્ર(ફોર્મ-જે) પર હસ્તાક્ષર હતાં નહીં. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે લગ્ન પછી અરજદારની પોતાની ઓળખ છે અને પત્ની કોઈ પણ રૂપમાં પતિની મંજૂર કે હસ્તાક્ષર વિના પાસપોર્ટ માટે અરજી કરી શકે છે.
