હવામાન વિભાગે ગુજરાતમાં 11 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની ચેતવણી આપી છે. રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોના 164 તાલુકામાં શનિવારે સાંજ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડા અને દેવભૂમિ દ્વારકામાં 2.40-2.40 ઇંચ વરસાદ પડ્યો છે. દ્વારકામાં ધોધમાર વરસાદને પગલે દ્વારકા જગત મંદિર પર અડધા સ્તંભે ધ્વજા ચઢાવવામાં આવી છે. હવામાન વિભાગે અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, મોરબી, વડોદરા, પંચમહાલ, ભરુચ, નર્મદા, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
