થોડા સમય અગાઉ બોલીવૂડમાં એવી અફવા ઉડી હતી કે, ‘શક્તિમાન’ ફિલ્મમાંથી રણવીરને પડતો મૂકવામાં આવ્યો છે અને અલ્લુ અર્જુન તેને બદલે મુખ્ય ભૂમિકા ભજવશે. જોકે, આ અંગે ફિલ્મના દિગ્દર્શક બેસિલ જોસેફે જણાવ્યું છે કે, આવી અફવામાં કોઈ સત્ય નથી અને રણવીર સિંહ જ ‘શક્તિમાન’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે.
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં અફવા ચાલતી હતી કે, આ ફિલ્મના હીરો તરીકે રણવીર સામે વિરોધ હોવાથી તેને પડતો મૂકાયો છે. બાળકો માટેના મૂળ ટીવી શો ‘શક્તિમાન’ પરથી આ ફિલ્મ બની રહી છે. ટીવી સીરિયલમાં શક્તિમાનની ભૂમિકા ભજવનારા મુકેશ ખન્નાએ રણવીર સિંહને આ રોલ સોંપવા સામે વિરોધ કર્યો હતો. રણવીર સિંહનું ન્યૂડ ફોટો શૂટ વાયરલ થયા બાદ મુકેશ ખન્નાએ કહ્યું હતું કે, રણવીર સિંહ બાળકોમાં લોકપ્રિય આ પાત્ર ભજવવા માટે લાયક નથી. જોકે, હવે બેસિલ જોસેફે તમામ અફવાઓ ફગાવી છે. બેસિલ જોસેફ અગાઉ સુપરહીરોની કથા પર આધારિત ‘મિનલ મુરલી’ ફિલ્મ બનાવી ચૂક્યા છે.
