ભારતીયો ક્રિકેટ અને ફિલ્મોના ચાહક છે. જ્યારે આ બંને સાથે હોય ત્યારે ચાહકોની ખુશીનો કોઈ પાર નથી. મહેન્દ્રસિંહ ધોની અને કપિલ દેવ જેવા ભારતીય ક્રિકેટરો પર સફળ બાયોપિક ફિલ્મ બનાવ્યા પછી, ચાહકો લાંબા સમયથી સૌરવ ગાંગુલીની બાયોપિકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે સૌરવ ગાંગુલીની બાયોપિક બનાવવાનું નક્કી થઇ ગયું છે અને રાજકુમાર રાવે તેમાં તેની મુખ્ય ભૂમિકાની પુષ્ટિ પણ કરી છે.
તાજેતરમાં, એક મીડિયા ઇન્ટરવ્યૂમાં, રાજકુમાર રાવે સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે, જેની લાંબા સમયથી રાહ જોવામાં આવતી હતી એ બાયોપિકમાં તે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની ભૂમિકા ભજવશે. રાજકુમારે આ અંગે કહ્યું હતું કે, ‘હવે જ્યારે દાદાએ આ કહ્યું છે, તો મારે પણ તેને અધિકૃત કરવું જોઈએ, હા, હું તેમની બાયોપિકમાં તેમની ભૂમિકા ભજવી રહ્યો છું. હું નર્વસ છું… તે એક મોટી જવાબદારી છે, પરંતુ તેમાં ખૂબ જ મજા આવશે.’
આ ફિલ્મમાં કાસ્ટિંગ અંગે ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી, જેમાં રણબીર કપૂર અને આયુષ્માન ખુરાના જેવા નામો પણ વિચારણા હેઠળ હતા. જોકે, તાજેતરમાં સૌરવ ગાંગુલીએ પોતે અભિનેતા રાજકુમાર રાવની પસંદગી કરી હતી. થોડા દિવસો પહેલા, મીડિયા સાથેની ચર્ચામાં, ગાંગુલીએ ફિલ્મની પ્રક્રિયા વિશે વાત કરી હતી.
