યમનના નાગરિકની હત્યા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા બાદ મૃત્યુદંડની સજા ભોગવી રહેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઈના રોજ ફાંસી આપવામાં આવશે. યમનની કોર્ટે સજાની આ તારીખ નક્કી કરી હોવાનું મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. ગયા વર્ષે યમનના પ્રેસિડન્ટ કેરળ મૂળની 36 વર્ષીય નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજાને મંજૂરી આપી હતી.
નિમિષા પ્રિયા 2017થી યમનના નાગરિકની હત્યાના આરોપમાં જેલની સજા ભોગવી રહી છે. કેરળના પલક્કડની વતની નિમિષા પ્રિયા એક નર્સ છે, જેને યમનની ખાનગી હોસ્પિટલોમાં થોડા વર્ષો સુધી કામ કર્યું હતું. અગાઉના ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રિયાના પરિવાર સંબંધિત વિકલ્પોની ચકાણી કરી રહ્યો છે. સરકાર આ મામલે તમામ શક્ય મદદ કરી રહી છે.
આ વર્ષની શરૂઆતમાં તેની માતા પ્રેમા કુમારી યમનની રાજધાની સના પહોંચી હતી અને મૃત્યુદંડની માફી મેળવવા અને પીડિતાના પરિવાર સાથે બ્લડ મનીની વાટાઘાટો કરી હતી. નિમિષા પ્રિયાને 2017માં યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવી હતી. એક વર્ષ પછી, યમનની ટ્રાયલ કોર્ટે મૃત્યુદંડની સજા કરી હતી. ટ્રાયલ કોર્ટના આદેશ સામેની અરજીને 2023માં સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી.
