અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કાઉન્ટી વિસ્તારમાં ગત 4થી 6 જુલાઈ દરમિયાન આભ ફાટતાં પડેલા મૂશળધાર વરસાદ પછી રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક આવેલા પ્રચંડ પૂરનાં પાણી ફરી વળતાં ભારે તારાજી સર્જાઇ હતી અને 91થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતા. 41થી વધુ લોકો લાપત્તા થયા હતા, જેમાં 10 બાળકોનો સમાવેશ થાય છે.
મૃત્યુઆંક હજી વધી શકે છે. વાવાઝોડા સાથે ભારે વરસાદના કારણે કેર કાઉન્ટી, કોમલ, હેય્સ, બ્લેન્કો, ગિલેસ્પી અને કેન્ડલ કાઉન્ટી સહિતના વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા છે. ટેક્સાસના કેરવિલે, કમ્ફર્ટ, ઈન્ગ્રામ, હંટ, બોર્ને, ન્યૂ બ્રાઉનફેલ્સ, સેન માર્કોસ સહિતના શહેરો પણ પૂરની તારાજીનો ભોગ બન્યા હતા. ટેક્સાસ રાજ્યના ઇતિહાસના આ સૌથી ભીષણ પૂરમાં માત્ર ચાર કલાકમાં ચાર મહિનાનો વરસાદ પડી ગયો હતો. રાજ્યમાં રાતોરાત આવેલા ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કુદરતી આફતથી થયેલી તારાજી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આ પૂર ઘણું ભયાનક છે…જાણકારી મળી છે કે કેટલાંક યુવાઓના મોત થયા છે… પૂરથી પીડિત તમામ લોકોની શક્ય મદદ કરાશે… અમે ત્યાંના ગવર્નર સાથે વાત કરી રહ્યા છીએ. આ પૂરને ટ્રમ્પે 100 વર્ષમાં એકાદ વાર જોવા મળતી હોનારત ગણાવ્યું હતું. ટ્રમ્પની પત્ની મેલાનિયાએ હોનારતગ્રસ્તો પરત્વે સંવેદના વ્યક્ત કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં મુક્યા બાદ લોકો તેની પર વિફર્યા હતા. માત્ર પ્રાર્થના અને સંવેદના પૂરતાં નથી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિનાશક પૂર અને લોકોના મોત અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકાની સરકાર અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે.
ટેક્સાસના ઈતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનું ભયાનક પૂર આવ્યું છે. વહીવટી તંત્ર તમામની શોધ અને બચાવ કામગીરી કરી રહ્યું છે. રાજ્યના ગવર્નર ડેન પેટ્રિકે કહ્યું હતું કે, દરેક લાપતા વ્યક્તિ મળે નહીં ત્યાં સુધી શોધખોળ ચાલુ રહેશે. ટેક્સાસમાં 6 જુલાઈને પ્રાર્થનાનો દિવસ જાહેર કરાયો હતો. ટેક્સાસના લોકોને આ આપત્તિથી પ્રભાવિત સમુદાયો માટે પ્રાર્થનામાં જોડાવા વિનંતી કરાઈ હતી.
આ કેમ્પમાં 750 બાળકીઓએ ભાગ લીધો હતો. જેમાં ઘણી પૂરમાં તણાઈ ગઈ છે. જ્યારે ચારના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટી થઈ છે. હજી પરિસ્થિતિ કાબૂમાં આવી નથી. જેથી મૃત્યુઆંક વધવાની ભીતિ છે.
અહેવાલો અનુસાર, મુજબ, ટેક્સાસના હિલ કન્ટ્રી અને એડવર્ડ્સ પ્લેટુ પ્રદેશોમાં માત્ર ચાર કલાકમાં લગભગ ચાર મહિના જેટલો વરસાદ પડ્યો હતો. એવો અંદાજ છે કે ગત શુક્રવારે આ વિસ્તારમાં લગભગ 1.8 લાખ કરોડ ગેલન વરસાદ પડ્યો હતું. કેર કાઉન્ટી અને આસપાસના વિસ્તારોમાં 10થી 15 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે રાષ્ટ્રીય હવામાન સેવાએ 8 ઇંચ વરસાદનો અંદાજ લગાવ્યો હતો. આ ભારે વરસાદને કારણે, ગુઆડાલુપ નદીનું સ્તર માત્ર 45 મિનિટમાં 26 ફૂટ સુધી વધ્યું હતું. જેના લીધે પૂરની તારાજી સર્જાઈ હતી. વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે,1700થી વધુ ટીમો તહેનાત કરવામાં આવી છે. લગભગ 850 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
વહીવટી તંત્રનું કહેવું છે કે, ટેક્સાસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હજારો લોકો ઉમટ્યા હતાં. સાન એન્ટોનિયોની ઉત્તરે પિકનિક માટે 750 છોકરીઓનો સમર કેમ્પ પણ યોજાયો હતો. પરંતુ અચાનક ધોધમાર વરસાદ વરસતાં બધા તણાયા હતા. કેટલા લોકો ગુમ છે, તેનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેર કાઉન્ટીમાં અત્યાર સુધીમાં સેંકડો લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમાંથી ઘણાને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે..
હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે લોકોને બચાવવા માટે ઝડપી કાર્યવાહીનું વચન આપ્યું હતું. નોએમે તેના સત્તાવાર X એકાઉન્ટ પર શેર કરેલા એક વિડિઓ સંદેશમાં કહ્યું કે આ સમયે અમારી પ્રથમ પ્રાથમિકતા લોકોને શોધવાની છે. આ સમય દરમિયાન જાહેર માળખાને કેટલું નુકસાન થયું છે તે પણ નક્કી કરવામાં આવશે. શનિવારે મોડી રાત્રે (સ્થાનિક સમય) X પર એક પોસ્ટમાં, નોએમે કહ્યું કે યુએસ કોસ્ટ ગાર્ડે 223 લોકોના જીવ બચાવ્યા હતા.
રાજ્યના ગવર્નર ડેન પેટ્રિકે કહ્યું હતું કે, દરેક ગુમ થયેલ વ્યક્તિ ન મળે ત્યાં સુધી શોધ કામગીરી ચાલુ રહેશે.
