
આજથી 20 વર્ષ પહેલા 7 જુલાઇના રોજ થયેલા લંડન બોમ્બ વિસ્ફોટની 20મી વર્ષગાંઠ પ્રસંગે દેશભરમાં શ્રેણીબધ્ધ સ્મારક કાર્યક્રમો અને વિવિધ શ્રધ્ધાંજલિ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને સોમવારે હાઇડ પાર્કમાં મેમોરિયલ ગાર્ડન્સમાં પુષ્પાંજલિ અર્પણ કરીને અને એક મિનિટનું મૌન પાળ્યું હતું. ત્યારબાદ વડા પ્રધાન બોમ્બ વિસ્ફોટમાં બચી ગયેલા લોકોને મળવા માટે ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન્સમાં ગયા હતા.
આ પ્રસંગે સેન્ટ પોલ કેથેડ્રલમાં સ્મારક સેવાનું આયોજોન કરાયું હતું જેમાં મહારાજા કિંગ ચાર્લ્સ વતી ડ્યુક અને ડચેસ ઓફ એડિનબરા, વડા પ્રધાન સ્ટાર્મર, લંડનના મેયર સાદિક ખાન, ડીન એન્ડ્રુ ટ્રેમલેટ સહિત અગ્રણીઓએ હાજરી આપી હતી. દરેક હુમલાના સ્થળનું પ્રતિનિધિત્વ કરતી ચાર મીણબત્તીઓ ઇમરજન્સી સર્વિસના પ્રતિનિધિઓ દ્વારા કેથેડ્રલમાં લઈ જવામાં આવી હતી અને વેદી સામે મૂકવામાં આવી હતી.
મહારાજા કિંગ ચાર્લ્સે “એકતાની ભાવના” માટે હાકલ કરતતા સંદેશમાં કહ્યું હતું કે ‘’લોકોને વિભાજીત કરવાનો પ્રયાસ કરતા લોકો સામે એક થવું જોઇએ. આ હુમલાઓએ એવા સમાજનું નિર્માણ કરવાનું મહત્વ દર્શાવ્યું છે જ્યાં તમામ ધર્મો અને પૃષ્ઠભૂમિના લોકો પરસ્પર આદર અને સમજણ સાથે સાથે રહી શકે. મારી ખાસ પ્રાર્થનાઓ તે બધા લોકો સાથે છે જેમના જીવન તે ભયંકર દિવસે કાયમ માટે બદલાઈ ગયા હતા. તે ભયાનકતા ક્યારેય ભૂલાશે નહીં, પરંતુ આવી ઘટનાઓ સમુદાયોને એકતા, દિલાસો અને દૃઢ નિશ્ચયમાં કેવી રીતે એકઠા કરે છે તેનાથી આપણે દિલાસો મેળવી શકીએ છીએ. એકતાની આ ભાવનાએ લંડન અને આપણા રાષ્ટ્રને સાજા થવામાં મદદ કરી છે.”
તેમણે બચાવ કામગીરીમાં મદદ કરનારાઓ અને તે દિવસના અંધકારમાંથી ઉભરી આવેલી અસાધારણ હિંમત અને કરુણાની પ્રશંસા કરી હતી.
પ્રિન્સ ઓફ વેલ્સ પ્રિન્સ વિલીયમે સોમવારે લંડનના હાઇડ પાર્કમાં મોતને ભેટેલા 52 સ્ટીલ સ્તંભોના સ્મારક ખાતે સર્વિસમાં હાજરી આપી હતી, જેમાં મૃતકોના સંબંધીઓ અને બચી ગયેલા લોકો હાજર રહ્યા હતા. હાઈડ પાર્કમાં વડા પ્રધાન અને ખાન દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમની સાથે મેટ્રોપોલિટન પોલીસ કમિશનર સર માર્ક રોઉલી અને બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસના ચીફ કોન્સ્ટેબલ લ્યુસી ડી’ઓર્સી સહિતના અધિકારીઓ જોડાયા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સર કેર સ્ટાર્મરે અંજલિ આપતા કહ્યું હતું કે ‘’દેશ આત્મઘાતી હુમલામાં જીવ ગુમાવનાર લોકો અને “જેમના જીવન કાયમ માટે બદલાઈ ગયા હતા” તેમને યાદ કરવા માટે એક થશે. જેમણે આપણને વિભાજીત કરવાનો પ્રયાસ કર્યો હતો તેઓ નિષ્ફળ ગયા છે. નફરત સામે અને આપણને વ્યાખ્યાયિત કરતા મૂલ્યો, સ્વતંત્રતા, લોકશાહી અને કાયદાના શાસન માટે અમે ત્યારે પણ સાથે ઉભા હતા, અને આજે પણ સાથે ઉભા છીએ.”
હોમ સેક્રેટરી હ્યુવેટ કૂપરે જણાવ્યું હતું કે ‘’20 વર્ષ પછી પણ આ હુમલા “ઓછા આઘાતજનક” નથી. તે દિવસે ઇમરજન્સી સેવાઓ અને સામાન્ય લંડનવાસીઓની હિંમત આપણને પ્રેરણા આપે છે.’
શ્રદ્ધાંજલિ આપતા, કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા કેમી બેડેનોકે કહ્યું હતું કે “અમે તે દિવસનું દુઃખ સહન કરનારાઓ, જે લોકો ક્યારેય ઘરે પાછા ફર્યા નથી તેમના પરિવારો, મિત્રો અને સાથીદારો સાથે ઉભા છીએ.”
મેયર સાદિક ખાને બાઇબલમાંથી એક ટૂંકો ફકરો વાંચ્યો હતો અને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
સેન્ટ પોલ કેથેડ્રલના ગુંબજ અને બાલ્કનીની છત પરથી મૃત્યુ પામેલા 52 લોકોની યાદમાં બાવન હજાર સફેદ પુષ્પની પાંખડીઓ વિખેરવામાં આવી હતી. ઇસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટોમાં 52 લોકો મોતને ભેટ્યા હતા અને 700 લોકોને ઇજાઓ થઇ હતી.
કિંગ્સ ક્રોસ અને રસેલ સ્ક્વેર વચ્ચે પિકાડિલી લાઇન સર્વિસમાં માર્યા ગયેલા લોકોના નામ સબા એડવર્ડ્સ દ્વારા વાંચવામાં આવ્યા હતા. તેણી તેની માતા બેહનાઝ મોઝાક્કાના નામ સુધી પહોંચતાં જ તેનો અવાજ ફાટી ગયો હતો. તો થેલ્મા સ્ટોબરે લિવરપૂલ સ્ટ્રીટ અને એલ્ડગેટ વચ્ચે સર્કલ લાઇન ટ્રેનમાં માર્યા ગયેલા સાત લોકોના નામ વાંચ્યા હતા. તે પછી એજવેર રોડ પર માર્યા ગયેલા છ લોકોના નામ વાંચવામાં આવ્યા હતા. અંતે, ચોથા વિસ્ફોટમાં ટેવિસ્ટોક સ્ક્વેર પર બસમાં માર્યા ગયેલા લોકોના નામ વાંચવામાં આવ્યા હતા.
7 જુલાઈ 2005ના રોજ ઑલ્ડગેટ, એજવેર રોડ અને રસેલ સ્ક્વેર પર લંડન અંડરગ્રાઉન્ડ ટ્રેનોમાં ત્રણ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. તેના એક કલાક પછી ટેવિસ્ટોક સ્ક્વેરમાં ડબલ-ડેકર બસમાં ચોથો વિસ્ફોટ થયો હતો.
પીડિતોના પરિવારો અને કટોકટી સેવા કર્મચારીઓએ બાદમાં ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે એક મિનિટનું મૌન પાળ્યું હતું.

