

લેબર પાર્ટીના સાસંદ ઝારા સુલતાનાએ રાજીનામું આપી જાહેરાત કરી છે કે તેઓ ભૂતપૂર્વ લેબર નેતા જેરેમી કોર્બિન અને અન્ય ઇન્ડિપેન્ડન્ટ એમપી અને કાર્યકરો સાથે મળીને એક નવી ડાબેરી રાજકીય પાર્ટીની સહ-સ્થાપના કરી રહ્યા છે. કોર્બિન પણ ગયા સપ્ટેમ્બરથી એક નવી પાર્ટીની રચનાનો સંકેત આપી રહ્યા છે, અને તેમણે ફક્ત એટલી જ પુષ્ટિ આપી છે કે તેઓ એક નવી પાર્ટી વિશે ચર્ચામાં છે.
લેબર નેતૃત્વએ અત્યાર સુધી આ નવી પાર્ટીની જાહેરાતને નકારી કાઢી છે, જ્યારે કેટલાક લેબર બેકબેન્ચર્સે સુલતાનાના રાજીનામાનું સક્રિયપણે સ્વાગત કર્યું છે.
ડિસેમ્બર 2019માં પહેલી વાર ચૂંટાયેલા કોવેન્ટ્રી સાઉથના સાંસદ ઝારાએ ગત જુલાઈમાં બે બાળકોના બેનિફીટની મર્યાદાનો વિરોધ કર્યા બાદ લેબર વ્હિપ ગુમાવ્યો હતો અને તેમને સંસદીય લેબર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ગુરુવારે સુલતાનાએ એક નિવેદન પ્રકાશિત કરીને લેબર અને કન્ઝર્વેટિવ્સ પર “વ્યવસ્થિત ઘટાડા અને તૂટેલા વચનો સિવાય કંઈ નહીં” આપવાનો અને સરકાર પર અસક્ષમ લોકોને દુઃખ પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે વેસ્ટમિન્સ્ટરની રાજકીય વ્યવસ્થાને “તૂટેલી” ગણાવી હતી. આગામી સામાન્ય ચૂંટણીને “સમાજવાદ અથવા બર્બરતા” વચ્ચેની લડાઈ તરીકે રજૂ કરી તેમણે તાત્કાલિક રાજકીય પરિવર્તનની હાકલ કરી હતી. તેમણે “ગાઝામાં નરસંહાર રોકવાનો પ્રયાસ કરી રહેલા અંતરાત્મા ધરાવતા લોકો”ને આતંકવાદી તરીકે બદનામ કરવા બદલ રાજકારણીઓની પણ નિંદા કરી હતી.
જેરેમી કોર્બિને સુલ્તાનાને લેબર છોડવાના તેમના “સૈદ્ધાંતિક નિર્ણય” બદલ અભિનંદન આપતા કહ્યું હતું કે ‘’હું ખુશ છું કે તેમનું રાજીનામુ અમને એક વાસ્તવિક વિકલ્પ બનાવવામાં મદદ કરશે. નવા પ્રકારના રાજકીય પક્ષના લોકશાહી પાયા ટૂંક સમયમાં આકાર લેશે. ચર્ચાઓ ચાલુ છે અને હું બધા સમુદાયો સાથે મળીને કામ કરવા માટે ઉત્સાહિત છું જેથી લોકો જે ભવિષ્ય માટે લાયક છે તે માટે લડી શકાય.”
મોર ઇન કોમન દ્વારા કરાયેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે કોર્બિન દ્વારા સંચાલિત નવી પાર્ટી ચૂંટણીમાં 10% મત મેળવી શકે છે. 45,000થી વધુ લોકોએ તેમની પાર્ટીમાં “કાર્યકર્તા” તરીકે નોંધણી કરાવી છે.
આ પક્ષનું નેતૃત્વ કોણ કરશે તે અંગે વિગતો આપવાનું કોર્બિને ટાળ્યું હતું. કોર્બિન ગાઝા તરફી અપક્ષ સાંસદોના નાના જૂથને એક વાસ્તવિક રાજકીય પક્ષમાં ફેરવવા માટે છેલ્લા કેટલાક સમયથી પ્રયાસો કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે જે આગામી વર્ષની સ્થાનિક ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારો ઉભા રાખી શકે છે.
લેબર પાર્ટીમાંથી બહાર કાઢ્યા બાદ કોર્બિન 2024 ની સામાન્ય ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતા અને ત્યારથી તેમણે ચાર અન્ય અપક્ષ સાંસદો સાથે જોડાણ કર્યું છે, જેઓ ઇઝરાયલ-ગાઝા સંઘર્ષ પર સમાન મંતવ્યો ધરાવે છે. તે સાંસદો પણ આ નવા પક્ષનો મુખ્ય ભાગ બનશે.
ગયા સપ્તાહે લેબર વેલ્ફેર બિલનો વિરોધ કરનારા છ લેબર સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમાંથી ચાર પાર્ટીમાં પાછા ફર્યા હતા પરંતુ ઝારા સુલતાના, અપ્સાના બેગમ અને ભૂતપૂર્વ શેડો ચાન્સેલર જોન મેકડોનેલ પરત જોડાયા ન હતા. કોર્બિન પોતે 2020માં લેબર પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા હતા.
