પ્રતિકાત્મક તસવીર (istockphoto)

યુરોપિયન યુનિયન અને બ્રિટનને યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા પર દબાણ બનાવવા માટે મોસ્કો પર નવા આકરા પ્રતિબંધો મૂક્યા છે. આ પ્રતિબંધોમાં મોસ્કોના એનર્જી ક્ષેત્ર, ઓઇલ ટેન્કરો અને મિલિટરી જાસૂસી સર્વિસને ટાર્ગેટ બનાવવામાં આવી છે. રશિયાની ક્રૂડ ઓઇલની નિકાસ આવકને ટાર્ગેટ કરવા માટે ક્રૂડ ઓઇલની ભાવમર્યાદા 60 ડોલરથી ઘટાડી 48 ડોલર કરી છે. આનો અર્થ એવો થાય છે કે રશિયાને ભારત જેવા ખરીદદારોને નીચા ભાવે ક્રુડ વેચવાની ફરજ પડશે.

રશિયાની અગ્રણી એનર્જી કંપની રોઝનેફ્ટની ભારત ખાતેની રિફાઇનરી પર પણ પ્રતિબંધ મૂકાયા છે. રોઝનેફ્ટ નાયરા એનર્જી (અગાઉ એસ્સાર ઓઇલ)માં 49.13 ટકા હિસ્સો ધરાવે છે. નાયરા  ગુજરાતમાં વાડીનાર ખાતે ઓઇલ રિફાઇનરી તેમજ 6,750થી વધુ પેટ્રોલ પંપ ધરાવે છે

રશિયા માટે હવે કોઇ બીજા દેશો મારફત પરોક્ષ રીતે ક્રૂડ ઓઇલની નિકાસ કરવાનું પણ મુશ્કેલ બનશે, કારણ કે આ અંગેની છટકબારીઓને બંધ કરવા માટે નવા આયાત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

યુરોપના વિદેશ નીતિના વડા કાજા કલ્લાસે જણાવ્યું હતું કે સંદેશ સ્પષ્ટ છે કે યુરોપ યુક્રેનને ટેકો આપવામાં પાછળ નહીં હટે. રશિયા તેનું યુદ્ધ સમાપ્ત ન કરે ત્યાં સુધી EU દબાણ વધારતું રહેશે. રશિયા સામેના આ સૌથી વધુ આકરા પ્રતિબંધો પૈકીના એક છે. યુરોપિયન દેશો યુક્રેન માટે યુએસ શસ્ત્રો ખરીદવાનું શરૂ કરી રહ્યાં છે ત્યારે આ નવા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.

યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કીએ તેને સમયસર અને જરૂરી પગલાં ગણાવીને આવકાર્યા હતાં. જોકે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે EUના આ પગલાની નિંદા કરતાં જણાવ્યું હતું કે અમે આવા એકપક્ષીય પ્રતિબંધોને ગેરકાયદેસર માનીએ છીએ.

દરમિયાન યુકેએ રશિયાની લશ્કરી ગુપ્તચર એજન્સી GRUના એકમો પર પ્રતિબંધો લાદ્યા હતાં. પ્રતિબંધિત અધિકારીઓની યાદીમાં રશિયાના નવા 18 અધિકારીઓનો પણ સમાવેશ કરાયો છે. આ અધિકારીઓએ 2022માં દક્ષિણ યુક્રેનમાં એક થિયેટરમાં બોમ્બ હુમલાની યોજના બનાવવામાં અને ભૂતપૂર્વ રશિયન જાસૂસના પરિવારને નિશાન બનાવવામાં મદદ કરી હોવાનો યુકેનો દાવો છે. યુકેના વિદેશ પ્રધાન ડેવિડ લેમીએ જણાવ્યું હતું કે GRU જાસૂસો યુરોપને અસ્થિર કરવા, યુક્રેનની સાર્વભૌમત્વને નબળી પાડવા અને બ્રિટિશ નાગરિકોની સલામતીને જોખમમાં મૂકવાનું અભિયાન ચલાવી રહ્યા છે.

 

LEAVE A REPLY