બોલીવૂડ છોડીને હોલીવૂડમાં સ્થાયી થયેલી પ્રિયંકા ચોપરા જોનાસ અત્યારે તેની હોલીવૂડ ફિલ્મ ‘હેડ્ઝ ઓફ સ્ટેટ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે શક્તિશાળી મહિલાની ભૂમિકામાં છે. પ્રિયંકાએ થોડાં વખત પહેલાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક બીહાઇન્ડ ધ સીન વીડિયો શેર કર્યો હતો, જેમાં તે સીઆઈડીના દયાની જેમ દરવાજો તોડતી જોવા મળે છે. આ ફિલ્મમાં પ્રિયંકા જોન કેના અને ઇદ્રિસ એલ્બા સાથે એક્શન સીન કરતી જોવા મળે છે. ખાસ તો તેના લંડન પ્રીમિયરની ચર્ચા છે.
પ્રિયંકા પોતાના મૂળ અને પોતાના દેશની વાત કરવાની એક પણ તક છોડતી નથી. આ અંગે પ્રિયંકાએ રેડ કાર્પેટ પર ગ્લોબલ મીડિયા સામે પોતાના સ્ટંટ આંગે વાત કરતાં એણે કહ્યું, ‘ટોમ ક્રુઝ અને અક્ષયકુમાર જે કરે છે એ મને બહુ ગમે છે. એ લોકો આ કામમાં બહુ સારા છે. મને નથી લાગતું મારામાં ઉડતાં પ્લેનમાંથી લટકવાની હિંમત હોય, કે હું એ પ્રકારના કામ કરી શકું નહીં. પણ મને મોટી એક્શન ફિલ્મો ખૂબ પસંદ છે. આપણે ઘણા લોકોનાં ખભા પર ઊભા રહીએ છીએ, સ્ટંટની એક મોટી ટીમ છે, જેણે મને આ બધું કરવામાં ઘણી મદદ કરી હતી.’
પ્રિયંકાની આ વાત પર સોશિયલ મીડિયા પર ઘણા વખાણ થયાં છે, ખાસ તો આંતરરાષ્ટ્રીય મંચ પર અક્ષયકુમારનું નામ લેવા પર એક વ્યક્તિએ લખ્યું હતું કે, ‘એ જગ્યાએ અક્ષયનું નામ લીધું એ બહુ સારી વાત છે, તમારા દેશના લોકોના હોલીવૂડમાં જઇને વખાણ કરવા એ ઘણી સારી વાત છે.’
આગળ પ્રિયંકાના વખાણમાં લોકોએ એવું પણ કહ્યું કે પ્રિયંકા બોલીવૂડને ગ્લોબલ લેવલે જાહેર કરવામાં ક્યારેય પાછી પડતી નથી. તે પશ્ચિમમાં હિન્દી સિનેમાનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રિયંકાના આ ગુણ બાબતે સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા થઈ અને લોકોએ તેના વખાણ કર્યા હતા. તેને લોકોએ બે સંસ્કૃતિ વચ્ચેનો સેતુ ગણાવી હતી. આ સાથે એક વખત સિટાડેલના પ્રમોશન વખતે પ્રિયંકાએ બોલીવૂડના જાણીતા ફિલ્મકાર સંજય લીલા ભણસાલીની પ્રશંસા કરી હતી અને હવે તેણે આ રીતે અક્ષયકુમારને યાદ કરવા બદલ તેને લોકોએ આઇકોનિક ગણાવી હતી.
વર્તમાન સમયમાં જો પ્રિયંકાની ફિલ્મની વાત કરીએ તો તે મહેશ બાબુ સાથે રાજામૌલીની ફિલ્મમાં કામ કરી રહી છે. હોલીવૂડ ફિલ્મના પ્રમોશન વખતે પ્રિયંકાએ અક્ષયને યાદ કરવા સાથે એવું પણ કહ્યું હતું કે તે બોલીવૂડને મિસ કરે છે. તેણે કહ્યું, ‘હું હિન્દી ફિલ્મો મિસ કરું છું અને હું ઇન્ડિયાને બહુ મિસ કરું છું. આ વર્ષ હું ઇન્ડિયામાં કામ કરી રહી છું અને તે કામ માટે હું ઘણી ઉત્સુક છું.’
