બોલીવૂડમાં અક્ષય ખિલાડીકુમાર તરીકે અને સૈફઅલી ખાન અનાડી તરીકે જાણીતા છે. તે બંનેની કારકિર્દી લગભગ સાથે જ શરૂ થઇ હતી. બંનેએ એક્શન-કોમેડીથી ભરપૂર ફિલ્મો આપી હતી અને તે ઓડિયન્સને પણ ખૂબ પસંદ આવી હતી. 1994માં ‘મૈં ખિલાડી તુ અનાડી’ ફિલ્મ સાથે આ બંને ધમાકેદાર શરૂઆત કરી હતી અને પછી ઘણી હિટ ફિલ્મો આપી હતી.
છેલ્લે તેઓ 2008માં ‘ટશન’માં સાથે જોવા મળ્યા હતા. હવે તેઓ 17 વર્ષ પછી ફરીથી ફિલ્મમાં સાથે જોવા મળે તેવું આયોજન થઇ રહ્યું છે. આ બંને હવે થ્રિલર ફિલ્મમાં નસીબ અજમાવવાનું વિચાર્યું છે. જાણીતા દિગ્દર્શક પ્રિયદર્શને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ કરી છે.
તેમણે આ ફિલ્મમાં અક્ષય અને સૈફની જોડીને ફરી લેવાનું વિચાર્યું હતું. તે બંનેએ એકબીજા સાથે કામ કરવાની મજા આવતી હોવાનું અનેકવાર કહ્યું હતું. પ્રિયદર્શને તેમને આ ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી ત્યારે તેમણે તાત્કાલિક તૈયારી દર્શાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રિયદર્શન બદલાયેલા સમય અને ટેકનોલોજી સાથે તેઓ અપડેટેડ ફિલ્મ બનાવવા ઇચ્છે છે. ફિલ્મનું નામ હજુ જાહેર થયું નથી, પરંતુ તેને આવતા વર્ષે ઓગસ્ટમાં રિલીઝ કરવાનું આયોજન છે.
અક્ષયકુમાર અને સૈફ અલી ખાનની બે ફિલ્મો 1994માં રિલીઝ થઈ હતી. જેમાં ‘મૈં ખિલાડી તુ અનાડી’ અને ‘યહ દિલ્લગી’નો સમાવેશ થાય છે. ત્યારબાદ 1996માં ‘તુ ચોર મૈં સિપાહી’ અને 1998માં ‘કિંમત’ આવી હતી. 10 વર્ષ બાદ તેમની ‘ટશન’ આવી હતી. પ્રિયદર્શને અગાઉ ઘણીવાર અક્ષય સાથે કામ કર્યું હતું. જોકે, 14 વર્ષના અંતર પછી તેઓ ‘ભૂત બંગલા’માં સાથે કામ કરી રહ્યા છે. ‘હેરાફેરી 3’માં પણ સાથે છે, જાન્યુઆરીથી તેનું શૂટિંગ શરૂ થયું છે. આમ, અક્ષય અને પ્રિયદર્શન સાથે કામ કરી રહ્યા હોય તેવી ત્રણ ફિલ્મો અત્યારે નિર્માણ હેઠળ છે.
