રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં શુક્રવાર, 25 જુલાઇએ એક સરકારી શાળાની ઇમારતની છત ધરાશાયી થતાં ઓછામાં ઓછા છ બાળકોના મોત થયા હતાં અને 29 બાળકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. વિદ્યાર્થિઓ સવારની પ્રાર્થના માટે એકઠા થયા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. શિક્ષકો અને ગ્રામજનોની મદદથી બાળકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં.
મનોહર થાણામાં આવેલી પીપલોદી સરકારી શાળામાં આ ઘટના સવારે ૮.૩૦ વાગ્યે બની હતી. એક માળની ઇમારતની છત તૂટી પડી ત્યારે શિક્ષકો અને સ્ટાફ ઉપરાંત લગભગ ૬૦ બાળકો શાળામાં હાજર હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઇમારત જર્જરિત હાલતમાં હતી અને આ અંગે અગાઉ ઘણી ફરિયાદો ઉઠી હતી. શાળામાં ધોરણ 8 સુધી શિક્ષણ આપવામાં આવે છે.
રાજસ્થાનના શિક્ષણ સચિવ કૃષ્ણ કુણાલે જણાવ્યું હતું કે બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આ ઘટનામાં છ બાળકોના મોત થયા છે.પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદને કારણે છત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. કલેક્ટર સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને આપત્તિ રાહત ટીમોએ પણ બચાવ કામગીરીમાં મદદ કરી હતી. ઇમારત ધરાશાયી થવાની જાણ થતાં શાળાના બાળકોના પરિવારના સભ્યો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
વિદેશ પ્રવાસે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવીને એક્સ પર જણાવ્યુ હતું કે આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સાથે છે. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. અધિકારીઓ અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છે.
