ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં પહેલી જૂનથી 21 જુલાઈ સુધીમાં આશરે 17 ઇંચ સરેરાશ વરસાદ સાથે સીઝનનો 51.37 ટકા વરસાદ નોંધાતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી રહી હતી. સૌથી વધુ કચ્છ ઝોનમાં સિઝનનો સરેરાશ 58.46 ટકા નોંધાયો હતો. દક્ષિણ ગુજરાત ઝોનમાં 55.29 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 49.50 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 49.38 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 49 ટકા વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં સારા વરસાદને પગલે જળસ્તરમાં પણ સુધારો થયો હતો અને 28 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા હતાં. 44 જળાશયો હાઇઍલર્ટ હેઠળ પર હતા. રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ 60.05 ટકા જળસંગ્રહ હતો. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 56.07 ટકા ભરાયો હતો.
રાજ્યોમાં સોમવાર, 21 જુલાઈએ અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં હતાં. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સાંજ સુધીમાં સૌથી વધુ ૩.૫૪ ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે જામનગરના જોડિયામાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પોણો ઇંચથી લઈને છૂટાછવાયા ઝાપટાં વરસ્યા હતા. માંગરોળમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ જળમગ્ન બન્યાં હતાં અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તેમજ નદીઓમાં પૂર આવ્યા હતા. જૂનાગઢના કેશોદમાં ૧.૨૬ ઇંચ, જૂનાગઢ શહેર અને તાલુકામાં ૧.૨૨ ઇંચ, વંથલીમાં એક ઇંચથી વધુ, જ્યારે મેંદરડામાં એકાદ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
જામનગરમાં પણ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર પધરામણી કરી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. જોડિયામાં સૌથી વધુ 3 ઇંચ, જ્યારે જામજોધપુર તાલુકામાં ૧.૦૬ ઇંચ વરસાદ નોંધાયો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાએ વિવિધ વિસ્તારોમાં કૃપા વરસાવી હતી. સુત્રાપાડામાં ૧.૩૮ ઇંચ અને પાટણ વેરાવળમાં ૦.૯૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં એકાદ ઇંચ, જ્યારે ભાવનગર જિલ્લાના શિહોરમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
મોરબી, રાજકોટ, અને કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ પોણો ઇંચથી લઈને છૂટાછવાયા ઝાપટાં વરસ્યા હતા.
કચ્છના વાગડ વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભચાઉ નગર અને આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો.
આ વરસાદ ચોમાસુ પાક જેવા કે મગ, બાજરો, તલ, કપાસ, મગફળી, જુવાર, કોરડ અને ગુવાર માટે આશીર્વાદરૂપ સાબિત થયો હતો. અગાઉ પડેલા વરસાદને કારણે ખેડૂતોએ કરેલું વાવેતર સારી રીતે જમાવટ પામ્યું હતું, અને સતત બીજા દિવસે પડી રહેલો આ વરસાદ ખેતી માટે વધુ લાભદાયક સાબિત થઈ રહ્યો છે.
