ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન હંમેશા નોંધપાત્ર રહ્યું છે. આજે ગુજરાતની કેરી, ખાસ કરીને તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે જાણીતી કેસર કેરી માત્ર સ્થાનિક બજારો જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધૂમ મચાવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે કેરીની નિકાસમાં નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે. ગુજરાતના કેરી ઉત્પાદક ખેડૂતો દ્વારા રાજ્ય સરકારના પ્રોત્સાહનથી વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૮૫૬ મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરવામાં આવી છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૪-૨૫ સુધીના ગત પાંચ વર્ષના ગાળામાં રાજ્યમાંથી કુલ ૩,૦૦૦ મેટ્રિક ટનથી વધુ કેરીની અમેરિકા અને દક્ષિણ આફ્રિકા સહિતના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવી છે. આજે ગુજરાતમાં બાગાયતી ફળ-ફૂલ પાકના કુલ ૪.૭૧ લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી ૧.૭૭ લાખ હેક્ટરથી વધુ વિસ્તાર એટલે કે, ૩૭ ટકા વિસ્તારમાં માત્ર કેરીની ખેતી કરવામાં આવી રહી છે. રાજ્યમાં અનુકૂળ આબોહવા અને જમીનની વિવિધતાના પરિણામે કેસર કેરી ઉપરાંત હાફુસ, રાજાપુરી, તોતાપુરી અને સોનપરી જેવી વિવિધ કેરીની જાતો ઉગાડવામાં આવે છે.
ગુજરાતમાં કેરી માટેના આંબાનું સૌથી વધુ વાવેતર વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, કચ્છ અને સુરત જિલ્લામાં થાય છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ગુજરાતના વલસાડ જિલ્લામાં સૌથી વધુ ૩૮,૦૦૦ હેક્ટર, નવસારી જિલ્લામાં ૩૪,૮૦૦ હેક્ટર, ગીર સોમનાથ જિલ્લામાં ૧૮,૪૦૦ હેક્ટર, કચ્છ જિલ્લામાં ૧૨,૦૦૦ હેક્ટર તેમજ સુરત જિલ્લામાં ૧૦,૨૦૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું હતું.
ગુજરાતની તલાલા ગીરની કેસર કેરી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત છે, જેની ગુણવત્તાના કારણે કેસર કેરીને GI ટેગ એટલે કે, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પણ પ્રાપ્ત થયો છે. ગીર ઉપરાંત, કચ્છમાં પણ કેસર કેરીની ખેતીનું પ્રમાણ વધ્યું છે.
અમદાવાદ નજીક બાવળા ખાતે રાજ્ય સરકારે સ્થાપેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ દ્વારા આ વર્ષે આશરે ૨૨૪ મેટ્રિક ટન કેસર કેરીનું ઇરેડીયેશન કરીને તેની વિદેશમાં નિકાસ કરવામાં આવી છે. બાવળા ખાતે સ્થિત આ ગામા રેડિયેશન યુનિટ ગુજરાતનું સૌપ્રથમ અને દેશનું ચોથું USDA-APHIS સર્ટીફાઇડ ઈ-રેડિયેશન યુનિટ છે. છેલ્લા પાંચ વર્ષમાં આ યુનિટ ખાતેથી આશરે ૮૦૫ મેટ્રિક ટન કેરીનું ઈરેડિયેશન કરીને તેની નિકાસ કરવામાં આવી છે.
