ટેરિફ
FILE PHOTO: A 3D-printed miniature model of U.S. President Donald Trump, the Indian flag and the word "Tariffs" are seen in this illustration taken July 23, 2025. REUTERS/Dado Ruvic/Illustration/File Photo/File Photo

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરની ટેરિફને વધારીને કુલ 50 ટકા કરી હોવાથી ભારતની અમેરિકા ખાતેની આશરે 86 અબજ ડોલરની નિકાસને નેગેટિવ અસર થવાની ધારણા છે. ટ્રમ્પે ઝીંકેલા ટેરિફ વધારાની સૌથી વધુ અસર ભારતના ટેક્સટાઈલ, જેમ્સ-જ્વેલરી, શ્રીમ્પ, લેધર-ફૂટવેર, એનિમલ પ્રોડક્ટ્સ, કેમિકલ્સ અને ઈલેક્ટ્રિકલ અને મિકેનિનકલ મશીનરી પર પડશે, કારણ કે ભારત પર હવે વિશ્વના કોઇપણ દેશ કરતાં સૌથી વધુ ટેરિફ છે.

ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO)ના ડીજી અજય સહાયના જણાવ્યા મુજબ, અમેરિકાનો આ નિર્ણય અત્યંત આઘાતજનક છે. તેના કારણે ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી 55 ટકા પ્રોડક્ટ્સને અસર થશે. વર્ષ 2024-25માં ભારત-અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષી વેપાર 131.8 અબજ ડોલર હતો. જેમાં અમેરિકામાં થતી નિકાસનું મૂલ્ય 86.5 અબજ ડોલર અને ભારતમાં આયાતનું મૂલ્ય 45.3 બિલિયન ડોલર હતું.

ટ્રમ્પે શરૂ કરેલા ટેરિફ વોરમાં સૌથી વધુ ટેરિફ હાલમાં બ્રાઝિલ પાસેથી વસૂલવામાં આવે છે, જે 50 ટકા છે. હવે ભારત અને બ્રાઝિલ બરાબરીએ આવી ગયા છે. ભારત કરતાં મ્યાનમાર (40%), થાઈલેન્ડ અને કમ્બોડિયા (36%), બાંગ્લાદેશ (35%), ઈન્ડોનેશિયા (32%), ચીન-શ્રીલંકા (30%), મલેશિયા (25%), ફિલિપાઈન્સ-વિયેટનામ (20%) ઓછી ટેરિફ છે.

જોકે ફાર્માસ્યુટિકલ્સ, ક્રૂડ ઓઈલ જેવી ઊર્જા પ્રોડક્ટ્સ, રિફાઈન્ડ ફ્યુઅલ, નેચરલ ગેસ, કોલસો, વીજળી, ક્રિટિકલ મટિરીયલ, સેમિ કન્ડક્ટર્સ અને મોબાઈલ-કમ્પ્યૂટર જેવા ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટસને ઊંચા ટેરિફમાંથી બાકાત રખાયા છે, તેથી ભારતને મોટી રાહત પણ થશે.

LEAVE A REPLY