અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ પર 50% ટેરિફ લાદવાના નિર્ણય પછી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ દેશના ખેડૂતોના હિત સાથે સમાધાન કરશે નહીં, ભલે પછી તેમને ભારે કિંમત ચૂકવવી પડે. અમારા માટે, અમારા ખેડૂતોનું કલ્યાણ સર્વોપરી છે. ભારત તેના ખેડૂતો, ડેરી ક્ષેત્ર અને માછીમારોના કલ્યાણ સાથે ક્યારેય સમાધાન કરશે નહીં અને હું વ્યક્તિગત રીતે જાણું છું કે મારે તેની ભારે કિંમત ચૂકવવી પડશે.
મોદીએ સ્પષ્ટપણે અમેરિકા કે પડી ભાંગેલી વેપાર વાટાઘાટોનો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ તેમની ટિપ્પણીઓ ભારતના વલણનો સ્પષ્ટ સંકેત આપે છે. ભારતના વિશાળ કૃષિ અને ડેરી ક્ષેત્રોને ખોલવા અને રશિયન તેલ ખરીદી રોકવા અંગે મતભેદ પર પાંચ રાઉન્ડની વાટાઘાટો બાદ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વેપાર વાટાઘાટો તૂટી પડી હતી.
ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકાના નિર્ણયને “અત્યંત દુર્ભાગ્યપૂર્ણ” ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તે “તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે.”અમેરિકાએ હજુ સુધી રશિયન તેલના સૌથી મોટા ખરીદદાર ચીન પર સમાન ટેરિફ લાદ્યા નથી. નિષ્ણાતો કહે છે કે હાઇ-ટેક ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ દુર્લભ પૃથ્વી ખનિજોમાં ચીનનું વર્ચસ્વ તેને એવો લાભ આપે છે જેનો ભારતમાં હાલમાં અભાવ છે.
નવી દિલ્હી ખાતે એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતાં PM મોદીએ કહ્યું હતું કે સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતી પર ખર્ચ ઘટાડવા પર કામ કરી રહી છે. અમે ખેડૂતોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરીએ. તેના માટે મોટી કિંમત ચૂકવવી પડે તો પણ તૈયાર છીએ. ભારત તેના માટે તૈયાર છે. દેશમાં સોયાબીન, સરસવ, મગફળીનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે વધ્યું છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અમે ખેડૂતોની આવક વધારવા, ખેતીનો ખર્ચ ઘટાડવા તેમજ આવકના નવો સ્રોત ઉભા કરવાના લક્ષ્યાંક પર કામ કરી રહ્યા છીએ. અમારી સરકારે ખેડૂતોની તાકાતને દેશની પ્રગતિનો આધાર માન્યો છે. આથી છેલ્લા કેટલાક વર્ષોમાં જે નીતિઓ ઘડવામાં આવી છે, તે માત્ર મદદ પૂરતી નહીં, પરંતુ ખેડૂતોની આવકમાં વધારો કરવાનો પ્રયાસ પણ હતો. પીએમ સન્માન નીધિથી મળતી સહાયતા નાના ખેડૂતોને આત્મબળ આપે છે.
