ગુજરાતી અભિનેતા હેમાંગ પલાણે ટીવી સીરિયલનાં પીઢ અભિનેત્રી સ્મૃતિ ઇરાની અંગે પોતાના અભિપ્રાય રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ‘સ્મૃતિ ઈરાની શાનદાર અભિનેત્રી છે. સાથે તેમનું વ્યક્તિત્વ પણ ખૂબ જ નમ્ર અને સર્જનાત્મક પણ છે.’ હેમાંગે વધુમાં કહ્યું હતું કે, ગત અઠવાડિયે ટેલિવિઝન શો ક્યુંકી સાસ ભી કભી બહુ થી સીરિયલ માટે સ્મૃતિજી સાથે મારા ભાવનાત્મક દૃશ્યોનું શૂટિંગ કરતી વખતે, હું સ્મૃતિજીના અભિનયથી મંત્રમુગ્ધ થઈ ગયો હતો.
તે એક સમર્પિત અભિનેત્રી છે અને ખરેખર તેમની સાથે કામ કરવું એ મારા માટે સન્માનની વાત છે. મિહિર ઉપાધ્યાય જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ અને બુદ્ધિશાળી અભિનેતા સાથે આ શોમાં અભિનય કરવો એ મારા માટે સૌભાગ્યની વાત છે.
વેરાવળ-સોમનાથના વતની, અભિનેતા હેમાંગ 29 જુલાઈથી સ્ટાર પ્લસ પર પ્રસારિત થઇ રહેલી ક્યૂંકી સાસ ભી કભી બહુ થી સિરિયલમાં સ્મૃતિ ઈરાની અને મિહિર ઉપાધ્યાય સાથે મહત્વની ભૂમિકામાં છે. મુંબઈના ભારતીય વિદ્યાભવનમાંથી નાટ્ય શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી હેમાંગ, મુંબઈના એક ગુજરાતી થિયેટર ગ્રૂપમાં જોડાયા હતો અને વિશ્વ વિખ્યાત નાટક ‘ગાંધી વિરુદ્ધ ગાંધી’ માં મહાત્મા ગાંધીના સેક્રેટરી મહાદેવ દેસાઈની ભૂમિકા ભજવીને કારકિર્દીની શરૂઆત કરી હતી.
હેમાંગે અત્યાર સુધી 91 હિન્દી ટેલિવિઝન સીરીયલ માં કામ કર્યું છે. હેમાંગે લંડન શહેર માં ‘યુકે ફિલ્મ કાઉન્સિલ’ ના કો-ઓર્ડીનેટર તરીકે પણ કામ કર્યું છે. મુંબઈના ગુજરાતી નાટ્ય ઉદ્યોગમાં જોડાતા પહેલા હેમાંગે પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી.
