અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદી હોવા થતાં વૈશ્વિક રેટિંગ એજન્સી એસ એન્ડ પી ગ્લોબલે ભારતના સોવરિન રેટિંગને આશરે 19 વર્ષ પછી અપગ્રેડ કર્યું હતું. ભારતના રેટિંગને ‘BBB-‘થી વધારીને ‘BBB’ કર્યું છે. આ ઉપરાંત આ નવા રેટિંગ માટેનું આઉટલૂક પણ સ્ટેબલ રાખ્યું છે. મજબૂત આર્થિક વૃદ્ધિ, સરકારની નાણાકીય શિસ્ત પરની પ્રતિબદ્ધતા અને ફુગાવાને અંકુશમાં લાવવા માટેની સાનુકૂળ નાણાનીતિને કારણે રેટિંગમાં આ વધારો કર્યો હતો.
S&P ગ્લોબલ રેટિંગ્સે જણાવ્યું હતું કે “ભારત વિશ્વના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા અર્થતંત્રોમાંનું એક છે… છેલ્લા પાંચથી છ વર્ષમાં સરકારી ખર્ચની ગુણવત્તામાં સુધારો થયો છે. ભારતીય અર્થતંત્ર પર યુએસ ટેરિફની અસર ભારત સામનો કરી શકે તેટલી જ હશે. યુએસ નિકાસ પર 50 ટકા ટેરિફ જો લાદવામાં આવે તો તેની આર્થિક વૃદ્ધિ પર પર કોઇ મોટી અસર થશે નહીં.
અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને “ડેડ ઇકોનોમી” ગણાવ્યાના થોડા દિવસો પછી, અમેરિકા સ્થિત એજન્સી દ્વારા રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યું છે. ટ્રમ્પે 27 ઓગસ્ટથી ભારતીય માલ પર સૌથી વધુ 50 ટકા ટેરિફ લાદ્યો છે.
S&P ગ્લોબલ રેટિંગ્સના ડિરેક્ટર યીફાર્ન ફુઆએ બુધવારે જણાવ્યું હતું કે ટ્રમ્પ ટેરિફથી ભારતની આર્થિક વૃદ્ધિ પર કોઇ અસર થશે નહીં, કારણ કે ભારત વિદેશ વેપાર કેન્દ્રીત અર્થતંત્ર નથી. ભારતનું સોવરેન રેટિંગનું આઉટલૂક પણ પોઝિટિવ રહેશે.
S&Pએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે, જે પાછલા નાણાકીય વર્ષ જેટલો જ છે. યીફાર્ને વધુમાં જણાવ્યું હતું કે અમેરિકામાં નિકાસ કરતા ફાર્માસ્યુટિકલ્સ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ જેવા મુખ્ય ક્ષેત્રોને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે.લાંબા ગાળે અમને નથી લાગતું કે ઊંચા ટેરિફથી ભારતના અર્થતંત્રને મોટો ફટકો પડશે, અને તેથી, ભારત પર સકારાત્મક દૃષ્ટિકોણ રહે છે.
અમેરિકાની ટેરિફથી ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહને અસર થશે કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષમાં વિશ્વની કંપનીઓ ‘ચાઇના પ્લસ વન’ વ્યૂહરચ અપનાવી રહી છે અને કંપનીઓ મુખ્યત્વે સ્થાનિક માંગને પહોંચી વળવા માટે ભારતમાં બિઝનેસ સ્થાપી રહી છે. અમેરિકામાં નિકાસ માટે નહીં, પરંતુ સ્થાનિક માગને પૂરી કરવા માટે ઘણી વિદેશી કંપનીઓ ભારતમાં બિઝનેસ સ્થાપી રહી છે. ભારતનું બજાર ઘણું મોટું છે અને મધ્યમવર્ગ વધી રહ્યો છે. જેઓ ભારતમાં વધુ રોકાણ કરવા અને નિકાસ કરવા માંગે છે તેમના માટે પણ, તે યુએસ બજાર હોવું જરૂરી નથી.
