ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પ્રોજેક્ટ માટે જમીનના સંપાદન અંગે મહેસાણાના ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી હતી. કેન્દ્ર સરકારના આ ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ મહેસાણા જિલ્લાના 156 ગામના ખેડૂતોની જમીન સંપાદન કરાઈ છે, પરંતુ ખે઼ડૂતોની દલીલ છે કે તેમને જમીનનું ઓછું વળતર આપવામાં આવ્યું છે. હવે ખેડૂતો સુધારેલ જંત્રી દર મુજબ વળતર ચુકવવા માગ કરી છે અને જો આ માગણી પૂરી કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી આપી છે.
આ પ્રોજેક્સ માટે જમીન સંપાદન સામે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ વિરોધ કરી રહ્યાં છે. જમીન સંપાદન કરવામાં કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો આક્ષેપ છે કે, ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરના માત્ર 20-22 રૂપિયા ભાવ મળી રહ્યા છે. જ્યારે ખેડૂતની નજીક જ બિલ્ડરો અને વેપારીની NA કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરે 4000-4500 રૂપિયા ભાવ મળી રહ્યા છે.
