રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મંગળવારે જણાવ્યું હતું કે સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ્સ (SRVA) રાખતા બિન-નિવાસી ભારતીયો કેન્દ્ર સરકારની સિક્યોરિટીઝ (G-secs)માં સરપ્લસ બેલેન્સનું રોકાણ કરી શકે છે.
સેન્ટ્રલ બેન્કે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે ભારતની બહાર રહેતા વ્યક્તિઓ કે જેઓ ભારતીય રૂપિયામાં ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ માટે માટે SRVA જાળવી રાખે છે તેઓ તેમના રૂપિયાના સરપ્લસ બેલેન્સને કેન્દ્ર સરકારની સિક્યોરિટીઝ (ટ્રેઝરી બિલ્સ સહિત)માં રોકાણ કરી શકે છે. તમામ અધિકૃત ડીલર કેટેગરી-I બેંકોને લખેલા પત્રમાં રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે આ આદેશો તાત્કાલિક અમલમાં આવશે અને બેંકોને તેમના ગ્રાહકોને તે અંગેની માહિતી આપવાની રહેશે. આ અંગેની સંચાલકીય સૂચનાઓનો માસ્ટર ડિરેક્શનમાં સમાવેશ કરાયો છે.
સામાન્ય વિદેશી વિદેશી એકમો રૂપિયામાં ઇન્ટરનેશનલ ટ્રેડ ટ્રાન્ઝેક્શનનું સેટલમેન્ટ કરવા માટે ભારતની બેન્કમાં SRVA એકાઉન્ટ ખોલાવતા હોય છે. અગાઉ રૂપિયામાં વેપારને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેન્કે SRVA એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયાને સરળ બનાવી હતી.તાજેતરમાં RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે ભારત અન્ય કોઈપણ દેશની જેમ પોતાના ચલણમાં વેપારને લોકપ્રિય બનાવવા પર કામગીરી કરી રહ્યું છે.
