(PTI Photo)

દેશના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગુજરાત સરકારનો સત્તાવાર ધ્વજવંદન સમારંભ મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં યોજાયો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ત્રિરંગો ફટકાવ્યો હતો.આ સમારંભમાં ‘બાપુના પગલે તિરંગા ભારત’ થીમ આધારિત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતાં.

શહેરની માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે તેમણે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવાની જનતાને અપીલ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ-ક્રાંતિકારીઓના સમર્પણ તથા અસંખ્ય દેશવાસીઓના અવિરત સંઘર્ષથી આપણને આઝાદ ભારત મળ્યું છે. ભારતમાતાની આઝાદી માટે જીવન ખપાવનાર એ સૌ વીરોને કૃતજ્ઞતાસહ વંદન કરું છું. આપણી સામે ‘વિકસિત ભારત’ના નિર્માણનું મહાન લક્ષ્ય છે. આવો, આપણે સૌ આ લક્ષ્યને સાકાર કરવા, અને ભારતમાતાને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરાવવા કૃતસંકલ્પ થઈએ. ભારતને સિદ્ધિના શિખરે લઈ જઈ સૌ સ્વાતંત્ર્ય વીરોને સાચી શ્રદ્ધાંજલિ આપીએ.

દર વર્ષે, પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે મુખ્ય રાજ્ય સ્તરના કાર્યક્રમો રાજધાની ગાંધીનગરને બદલે ગુજરાતના વિવિધ ભાગોમાં યોજવામાં આવે છે, જેથી સ્થાનિક લોકોની ભાગીદારી વધે. આની શરૂઆત નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે થઈ હતી.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મહેસાણામાં ધ્વજવંદન કર્યું હતું. રાજ્યના પ્રધાનોએ ગુજરાતભરના જિલ્લા મુખ્યાલયોમાં ધ્વજવંદન સમારોહમાં હાજરી આપી હતી.

LEAVE A REPLY