બ્રિટિશ વડાપ્રધાન કેર સ્ટાર્મર અને યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કી વચ્ચે તાજેતરમાં લંડનમાં મુલાકાત થઇ હતી. અલાસ્કા ખાતે અમેરિકા-રશિયાના પ્રેસિડેન્ટ વચ્ચે મહત્ત્વની મીટિંગના એક દિવસ પહેલાં સ્ટાર્મર અને ઝેલેન્સ્કી વચ્ચે આ મુલાકાત થઇ હતી. લંડનની મુલાકાત પહેલા ઝેલેન્સ્કી જર્મનીના બર્લિનમાં હતા અને તેમણે અહીંથી ડોનાલ્ડ ટ્રમ્પની વર્ચ્યુઅલ મીટિંગમાં યુરોપીયન દેશોના અન્ય નેતાઓ સાથે ભાગ લીધો હતો. યુરોપીયન યુનિયનના નેતાઓએ જણાવ્યું હતું કે, યુક્રેન યુદ્ધમાં શસ્ત્ર વિરામ ટ્રમ્પની પ્રાથમિકતા છે. પુતિનને યુદ્ધ વિરામ માટે સમજાવવામાં નિષ્ફળતા મળે તો રશિયા પર વધુ પ્રતિબંધો લાદવાની અને દબાણ વધારવાની ચીમકી સ્ટાર્મરે અગાઉ આપી હતી. ઝેલેન્સ્કી અને યુરોપીયન નેતાઓને હાંસિયામાં ધકેલીને યુએસ-રશિયા સમિટ યોજાઈ રહી છે ત્યારે ઝેલેન્સ્કી સહિત યુરોપના નેતાઓમાં પણ ટ્રમ્પ પ્રત્યે અવિશ્વાસ ઊભરી રહ્યો છે. યુરોપના નેતાઓને લાગે છે કે, રશિયાની તરફેણમાં કોઈ નિર્ણય લેવાઈ શકે છે, જેના કારણે યુક્રેન તથા યુરોપની સલામતી પર જોખમ ઊભું થઈ શકે છે. ટ્રમ્પ સામે અવિશ્વાસ હોવા છતાં યુરોપીયન સંઘના નેતાઓ જાહેરમાં કોઈ ટિપ્પણી કરવાનું ટાળી રહ્યા છે. જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અને ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ઈમેન્યુઅલ મેક્રોન જેવા કેટલાક નેતાઓએ ટ્રમ્પ સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સને હકારાત્મક ગણાવી હતી.

LEAVE A REPLY