જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દૂરના ગામડામાં 14 ઓગસ્ટે વાદળ ફાટવાથી ગુમ થયેલા લોકોને શોધવા માટે સર્ચ કામગીરી ચાલુ હજુ ચાલુ હતી ત્યારે રવિવાર, 17 ઓગસ્ટે કઠુઆ જિલ્લામાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનની બે અલગ અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતાં અને ઘણા લોકો ઘાયલ થયા હતા એમ અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું.
જોધ ઘાટીમાં વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં પાંચ લોકોના મોત થયા હતાં, જ્યારે જાંગલોટમાં ભૂસ્ખલનમાં બે લોકોના મોત થયા હતા. બંને ઘટનાઓ શનિવાર અને રવિવારની મધ્યરાત્રિ દરમિયાન બની હતી.
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરથી સંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે એક રેલ્વે ટ્રેક, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-44 અને એક પોલીસ સ્ટેશનને પણ નુકસાન થયું હતું. નાગરિક વહીવટીતંત્ર, લશ્કરી અને અર્ધલશ્કરી દળો સક્રિય થઈ ગયા હતાં
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને અધિકારીઓને વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી પ્રભાવિત કઠુઆ જિલ્લામાં લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે રાહત અને બચાવ પગલાં લેવા નિર્દેશ આપ્યો હતાં.
અગાઉ 14 ઓગસ્ટના રોજ માચૈલ માતા મંદિર તરફ જતા છેલ્લા ગામ ચિસોટીમાં વાદળ ફાટવાથી ૬૦ લોકો માર્યા ગયા હતાં અને ૮૦ લોકો ગુમ થયા હતા, જ્યારે ૧૬૭ લોકોને ઘાયલ હાલતમાં બચાવી લેવામાં આવ્યા હતા.
