ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં અતિ ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે 12 ઇંચ સુધીના ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયાં હતા. ઓગસ્ટના શરૂઆતમાં વિરામ પછી રાજ્યમાં ચોમાસું 17 ઓગસ્ટથી ફરી સક્રિય બન્યું હતું. રાજ્યમાં 19 ઓગસ્ટ સુધીમાં સીઝનનો સરેરાશ 70 ટકા વરસાદ થયો હતો.
હવામાન વિભાગના ડેટા મુજબ ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં 9 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે તાલુકાના અનેક ગામ જળબંબાકાર થયા હતાં. વેરાવળમાં 6 ઇંચ અને કોડીનારમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. તાલાલા અને ઉનામાં પણ 3 ઇંચ વરસાદ પડ્યો હતો.
19 ઓગસ્ટે રાજકોટમાં ઉપલેટાના મોજ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતા ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા હતાં અને આસપાસના ગામડાઓને એલર્ટ કરાયા હતાં. જૂનાગઢના માળીયા હાટીનાનો ડેમ ઓવરફ્લો થયો હતો.
ઓગસ્ટના શરૂઆતના સમયગાળામાં વિરામ પછી ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું હતું. 17 ઓગસ્ટ, રવિવારના રોજ પૂરા થયેલા 24 કલાકના સમયગાળામાં રાજ્યના 217 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. તેમાંથી 75 તાલુકાઓમાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે 19 અને 20 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લામાં ભારે વરસાદનો રેડ એલર્ટ જારી કર્યો હતો. આ ઉપરાંત સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, ભાવનગર અને દ્વારકા (સૌરાષ્ટ્ર-કચ્છ)માં ભારેથી અતિભારે વરસાદનો ઓરેન્જ એલર્ટ જારી કર્યો હતો, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો માટે યલો એલર્ટ જારી કરાયો હતો.
