જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચાશોટી ગામમાં ગુરુવાર, 14 ઓગસ્ટે વાદળ ફાટવાના કારણે આવેલા અચાનક પૂરથી ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા હતા અને 100થી વધુ ઘાયલ થયા હતાં. આ દુર્ઘટનામાં 220થી વધુ લાપતા બન્યા હોવાથી મૃત્યુઆંકમાં વધારો થવાની ધારણા છે. આ કુદરતી આપત્તિમાંથી ઓછામાં ઓછા 100 લોકોને બચાવી લેવામાં આવ્યાં હતાં. આર્મી સહિતની બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યાત્રાળુઓને બહાર કાઢવાની કામગીરી ચાલુ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધી શકે છે કારણ કે વધુ લોકો ફસાયેલા હોવાનું માનવામાં આવે છે, અત્યાર સુધીમાં 120 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી 38 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે 38 મૃતદેહો મળી આવ્યા છે અને એવી આશંકા છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. ચાશોટી એ માચૈલ માતા યાત્રાનું પ્રારંભિક બિંદુ છે, તેમજ કિશ્તવાડમાં માતા ચંડીના મંદિર તરફ જવાના માર્ગ પરનું છેલ્લું મોટરેબલ ગામ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અચાનક પૂર પછી વાર્ષિક યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. NDRFએ જ 180 સભ્યોને આધુનિક ઉપકરણોથી સજ્જ કરીને ઉધમપુર બેઝથી વાદળ ફાટેલા વિસ્તારમાં મોકલ્યાં હતાં.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વાદળ ફાટવાની ઘટના ખૂબ જ મોટી છે, જેના કારણે મોટી જાનહાનિ થઈ શકે છે. અમે તાત્કાલિક જિલ્લા અધિકારીઓનો સંપર્ક કર્યો છે. શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવશે. વહીવટીતંત્ર તબીબી સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા બચાવની પણ વ્યવસ્થા કરશે.
મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાના કાર્યાલયે જણાવ્યું હતું કે તેઓ જિલ્લા વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે અને તમામ રાહત પગલાં લેવામાં આવી રહ્યા છે.મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પોલીસ, સેના અને ડિઝાસ્ટર રિસ્પોન્સ એજન્સીઓને બચાવ કામગીરીને મજબૂત બનાવવા નિર્દેશ આપ્યો છે.
