અમદાવાદ
(Photo by Al Bello/Getty Images)

અમદાવાદ શહેરમાં આ વર્ષે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ સહિત ત્રણ મુખ્ય આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમો યોજાશે. કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ અને એએફસી અંડર-૧૭ એશિયન કપ ફૂટબોલ ક્વોલિફાયર માટે વિશ્વભરના શ્રેષ્ઠ ખેલાડીઓને ગુજરાતના શહેરમાં આવશે.

લાંબા સમયથી વેપાર અને ઉદ્યોગસાહસિકતા માટે જાણીતું ગુજરાત વૈશ્વિક રમતગમતના મંચ પર પોતાની છાપ છોડવા માટે સજ્જ બની રહ્યું છે.

પ્રતિષ્ઠિત કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 24થી 30 ઓગસ્ટ દરમિયાન અમદાવાદના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. આ ચેમ્પિયનશિપમાં 29 દેશોના 350થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આ પછી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ યોજાશે, જેમાં ચીન, જાપાન અને કોરિયા જેવા દેશોના તરવૈયાઓ ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે 22થી 30નવેમ્બર દરમિયાન યોજાનારી AFC U17 એશિયન કપ 2026 ક્વોલિફાયર માટે સાત યજમાન દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં નિર્ધારિત તમામ ફૂટબોલ મેચો અમદાવાદના ‘ધ એરેના બાય ટ્રાન્સસ્ટેડિયા’ ખાતે યોજાશે. અમદાવાદમાં યોજાનારી ક્વોલિફાયર મેચોમાં ગ્રુપ ડીની મેચો યોજાશે, જેમાં ભારત, ઈરાન, ચાઈનીઝ તાઈપેઈ અને લેબનોન જેવા દેશો ભાગ લેશે.

2026માં અમદાવાદ એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ અને તીરંદાજી એશિયા પેરા કપ ટુર્નામેન્ટનું પણ આયોજન કરશે.વધુમાં, ભારતને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029નું આયોજન કરવાનું સન્માન મળ્યું છે, અને આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને એકતા નગર (કેવડિયા) માં યોજાશે.તાજેતરમાં, 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતની બિડને મંજૂરી આપવામાં આવી હતી, અને આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ માટે અમદાવાદને યજમાન શહેર તરીકે પસંદ કરવામાં આવ્યું છે.

 

LEAVE A REPLY