અમેરિકામાં ફોક્સ 12ના રીપોર્ટમાં જણાવ્યા મુજબ, લૂસિયાનામાં એક સીરિયલ સેક્સ ગુનેગારને સાત વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરવા બદલ દોષિત ઠેરવ્યા પછી તેને સર્જિકલ અને રાસાયણિક રીતે નપુંસક બનાવવાની સજા ફટકારવામાં આવી હતી. આવા ગુનાઓ આચરવા બદલ ‘ટીઅર થ્રી’ કક્ષાના સેક્સ ગુનેગાર તરીકે વર્ગીકૃત થયેલા 37 વર્ષીય થોમસ એલન મેકકાર્ટનીએ તાજેતરમાં નપુંસક બનવાની સજા-સમજૂતી સ્વીકારી હતી અને આ ઉપરાતં તેને સમજૂતીના ભાગરૂપે 40 વર્ષની જેલ સજા પણ ભોગવવી પડશે. આ કેસ 13 વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર ફર્સ્ટ ડિગ્રીના દુષ્કર્મના પ્રયાસ સાથે સંકળાયેલ હતો. ન્યૂઝ પોર્ટલના રીપોર્ટમાં સત્તાધિશોએ જણાવ્યા પ્રમાણે, મેકકાર્ટની બાળકો સાથે આવા શારીરિક દુર્વ્યવહારના ગુનાઓનો લાંબો ઇતિહાસ ધરાવે છે. આ સજાનો સમાવેશ દેશના એવા દુર્લભ કિસ્સાઓમાં થાય છે જેમાં સેક્સ ક્રાઇમ માટે કાયદાકીય સજાના ભાગરૂપે બંને પ્રકારથી નપુંસક બનાવવાનો આદેશ એક સાથે આપવામાં આવ્યો હોય. આ ન્યૂઝ પોર્ટલમાં વધુમાં જણાવ્યા મુજબ, મેકકાર્ટનીની 2023માં ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તે સાત વર્ષીય બાળકીનું શારીરિક શોષણ કરતો ઝડપાયો હતો. તે પહેલેથી જ લૂસિયાનામાં ટીઅર 3 સેક્સ ગુનેગાર તરીકે નોંધાયેલો હતો, તેને અગાઉ 2011માં દુષ્કર્મના ગંભીર પ્રયાસનો દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 2006માં એક કિશોર સાથે શારીરિક સંબંધના એક ગુના અને 2010માં 12 વર્ષની બાળકી પર ગંભીર દુષ્કર્મ આચરવાના બે ગુનામાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY