અમેરિકામાં ફેડરલ જજે તાજેતરમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અને ફ્લોરિડાની સરકારને ‘એલિગેટર અલ્કાટ્રાઝ’ તરીકે જાણીતા ડીટેન્શન સેન્ટરમાં કોઈપણ નવા માઇગ્રન્ટસને લાવવા પર પ્રતિબંધ મુકીને તેનો મોટો ભાગ તોડવા આદેશ આપ્યો હતો. આ આદેશના કારણે સેન્ટર બંધ થઈ ગયું છે. જોકે, આ આદેશની સામે ફ્લોરિડાની સરકારે તરત જ અપીલ કરવાની જાહેરાત કરી હતી. ગત જૂન મહિનામાં માત્ર આઠ દિવસમાં જ ફ્લોરિડાના એવરગ્લેડ્સ વેટલેન્ડ્સમાં એક ઉજ્જડ-વેરાન એરફિલ્ડમાં તાત્કાલિક આ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. તેમાં પલંગ, પાંજરા અને સફેદ મોટા તંબુની સુવિધા હતી, આ જળમગ્ન વિસ્તારમાં મગર જેવા પ્રાણીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે.
અમેરિકામાં ગેરકાયદે વસતા લાખ્ખો માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરવાનો સંકલ્પ કરનારા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જુલાઇમાં આ સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે કટાક્ષમાં કહ્યું હતું કે, ‘અહીં માઇગ્રન્ટ્સની સુરક્ષા માટે આવા જળચર પ્રાણીઓ હશે.’ વ્હાઇટ હાઉસે આ સેન્ટરને ‘એલિગેટર અલ્કાટ્રાઝ’ નામ આપ્યું છે, જ્યાં સાન ફ્રાન્સિસ્કોના અખાતમાં અગાઉ ટાપુ જેલ હતી, જેને ટ્રમ્પે ફરીથી ખોલવા જણાવ્યું હતું. હોમલેન્ડ સીક્યુરિટીનાં સેક્રેટરી ક્રિસ્ટી નોએમના જણાવ્યા મુજબ, આ સેન્ટરમાં 3,000 માઇગ્રન્ટ્સને રાખવાની યોજના હતી. પર્યાવરણવાદીઓ સહિતના લોકોએ આ અંગે ટ્રમ્પની ટીકા કરીને કહ્યું હતું કે, આ સેન્ટર અમાનવીય વ્યવસ્થા છે.
